Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

અમાનવીયઃ ઉત્તર પ્રદેશમાં બસોને ડિસઇન્ફેકટ કરવાને બદલે મજૂરો પર જ દવાનો છંટકાવ કરી દેવાયોલોકોને જમીન પર બેસાડી ડિસઇન્ફેકટ કરાયા

કર્મચારીઓએ બસોને સેનિટાઇઝ કરવાને બદલે તેમાં સવારી કરનાર લોકોને જમીન પર બેસાડીને તેમના પર દવા છાંટી દીધી

બરેલી, તા.૩૧: કોરોના વાયરસે આખી દુનિયાના ભરડો લીધો છે. વિશ્વનો લગભગ દરેક દેશ કોરોના વાયરસથી પરેશાન છે. ભારતમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું. આ દરમિયાન અનેક એવા બનાવો સામે આવતા રહે છે જેના વિશે સાંભળીને કમકમાટી છૂટી જાય. આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. અહીં કર્મચારીઓએ બીજી વિસ્તારમાંથી અહીં આવેલા મજૂરોને સેનિટાઇઝ (જંતુરહીત) કરવા માટે જે રીતે અપનાવી હતી તે ખરેખર અસંવેદનશીલ છે. બરેલીમાં બહારથી આવેલા લોકોને જમીન પર બેસાડીને તેમના પર બ્લીચવાળું પાણીનો સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો વીડિયો વાયરસ થતાં જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બરેલી જિલ્લામાંથી અસંવેદનશીલ બનાવ સામે આવ્યો છે. અહીં દિલ્હી, હરિયાણ, નોઇડાથી અનેક મજૂરો પરત આવ્યા છે. આ લોકોને જમીન પર બેસાડીને તેમના પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જે બાદમાં બાળકોને આંખોમાં બળતરા થવા લાગી હતી. આ લોકોને આવી રીતે ડિસઇન્ફેકટ કરીને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. અનેક બાળકો અને લોકોની આંખોમાં બળતરાની ફરિયાદ બાદ પણ તેમને હોસ્પિટલ લઈ જવાનમાં આવ્યા ન હતા.

આ મામલે બરેલી જિલ્લાના કલેકટરે ટ્વિટ કરીને કહ્યું છે કે, 'આ વીડિયો અંગે તપાસ કરવામાં આવી છે. પ્રભાવિત થયેલા લોકોની સારવાર કરાવવામાં આવી રહી છે. બરેલી નગર નિગમ અને ફાયર બ્રિગેડના લોકોને મજૂરો જે બસમાં સવારી કરીને આવ્યા હતા તેને સેનિટાઇઝ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ અતિ ઉત્સાહમાં તેમણે લોકો પર જ સ્પ્રે ચલાવી દીધો હતો. આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.'

આ વીડિયોની બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ નિંદા કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, લોકડાઉન વચ્ચે દેશના અનેક ભાગોમાંથી જુલમ તેમજ બળજબરીના બનાવો મીડિયામાં સામે આવ્યા છે. પરંતુ બરેલીમાં મજૂરો પર જંતુનાશક છાંટી દેવાની ઘટના ક્રૂર અને અમાનવીય છે. આ ઘટનાની જેટલી પણ નિંદા કરવામાં આવે ઓછી છે. સરકાર તાત્કાલિક ધ્યાન આપે. કેન્દ્ર સરકાર રાજય સરકારોને બોર્ડર સીલ કરી દેવાનો આદેશ કરવાને બદલે હજારો મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે બે-ચાર ટ્રેન દોડાવવાનો આદેશ કરે તે યોગ્ય છે.

(10:32 am IST)