Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી રહી છે, એક ખોટુ પગલુ દેશ પર ભારે પડી શકે

૧૦૦થી ૧૦૦૦ કેસ થવામાં ભારતને ૧૨ દિવસ લાગ્યા, જયારે અન્ય દેશોમાં આંકડો ૫-૬ હજાર દર્દીઓ સુધી પહોંચી ગયો

નવી દિલ્હી, તા.૩૧: કોરોના વાયરસના ચેપને વધુ ફેલાવાતો અટકાવવાના યથાગ પ્રયત્નમાં સમગ્ર દેશ લોકડાઉન છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ વિભાગે લોકડોઉનની શી અસર થઇ છે તે અંગેની માહિતી આપી છે. સ્વાસ્થય વિભાગે દાવો કર્યો છે કે, કોરોનાના ભય વચ્ચે લોકડાઉનની અસર જોવા મળી રહી છે.

સંયુકત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, ભારતમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે. ૧૦૦થી ૧૦૦૦ કેસ થવામાં ભારતને ૧૨ દિવસ લાગ્યા, જયારે અન્ય વિકસિત દેશોમાં આંકડો આ સમયગાળામાં ૫-૬ હજાર દર્દીઓ સુધી પહોંચી ગયો હતો. સ્વાસ્થ વિભાગ મુજબ વર્તમાન સ્થિતિમાં એક ચૂક સમગ્ર દેશ માટે ભારે પડી શકે છે.

આ સિવાય તેમણે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારી સામેની લડતમાં લેવાયેલા મહત્વના પગલાઓની જાણકારી પણ આપી હતી. હોસ્પિટલોની તૈયારીથી માંડીને તમામ જાણકારી આપતા અગ્રવાલે જણાવ્યુ કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલેપમેન્ટે તેની તમામ સંસ્થાઓ અને હોસ્ટેલની સાથે એક લાખ કર્મચારીઓને મહામારી સામેની લડતમાં જોડયા છે.

નોધનીય છે કે, સ્વાસ્થ વિભાગે લોકડાઉનને લઇને દાવો એવા સમયે કર્યો છે જયારે દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી ૧૧૦૦થી વધુ કેસો બની ચૂકયા છે અને ૩૦થી વધારે દર્દીઓ દમ તોડી ચૂકયા છે.

(10:28 am IST)