Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉનની સાઈડ ઈફેકટઃ પતિ-પત્નિ વચ્ચે ઝઘડા વધવા લાગ્યા

નાની નાની બાબતના વિવાદ ઉગ્ર ઝઘડામાં પરીવર્તિત થવા લાગ્યાઃ પોલીસ અમુકમાં એફઆઈઆર નોંધે છે તો અમુકમાં કાઉન્સીલીંગ કરી સમાધાન કરાવે છે

રાંચી, તા. ૩૧ :. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશ હાલ લોકડાઉન છે. લોકો ઘરોની બહાર નથી નીકળતા. અનેક કંપનીઓમાં રજા જાહેર કરવામાં આવી છે તો કયાંક ઘરેથી કામ કરવાનુ ચાલુ છે. તેવામાં ઝારખંડના પાટનગરમાં લોકડાઉન બાદ અપરાધનો ગ્રાફ નીચે ગયો છે પરંતુ પતિ-પત્નિ વચ્ચેના ઝઘડા અને વિવાદ વધી ગયા છે. પતિ અને પત્નિ વચ્ચે નાની નાની બાબતોને લઈને ઉગ્ર ઝઘડા થવા લાગ્યા છે. શહેરના પોલીસ સ્ટેશનમાં આવા અનેક કેસ પહોંચ્યા છે. જો કે પોલીસ એફઆઈઆર નોંધવાના બદલે પતિ અને પત્નિનું કાઉન્સેલીંગ કરી કેસને નિપટવાના પ્રયાસો કરે છે.

કોટવાલી સ્ટેશનમાં એક સપ્તાહમાં ૯ કેસ સામે આવ્યા છે. પોલીસે ૩માં એફઆઈઆર નોંધી છે અને ૬ને કાઉન્સીલીંગથી નિપટાવ્યા છે. પોલીસના કહેવા મુજબ જે કેસ આવ્યા છે તેમા મોટા ભાગનાનું કોઈ મોટુ કારણ નથી. લોકડાઉનના કારણે લોકો ઘરમાંથી કામ કરે છે. ઘરમાં રહેવાના કારણે પત્નિ ઈચ્છે છે કે પતિ કામમાં સાથ આપે. આ આશામાં પતિ અને પત્નિ વચ્ચે વિવાદો વધી રહ્યા છે.

લાલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા પોલીસ સ્ટેશનને પહોંચી હતી અને ફરીયાદ નોંધાવી હતી. પરીણિતાએ પોલીસને જણાવ્યુ હતુ કે પતિએ ગાળો આપી છે. પોલીસે પતિને બોલાવ્યો અને પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે પતિ કેટલાક દિવસથી સતત ટીવી જોતો હતો. પત્નિએ ટીવી જોવાની ના પાડી અને ઘરનુ કામ કરવા કહ્યુ તો ઝઘડો થયો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.  કોકર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ ઉપર આરોપ મુકયો હતો કે દારૂ પીને પતિએ મારપીટ કરી હતી. પોલીસે પતિને પકડી પૂછપરછ કરી તો તેણે કહ્યુ હતુ કે હું મિત્રના ઘેર ગયો હતો જ્યાં મિત્રએ પરાણે દારૂ પાયો હતો. હું ઘરે પહોંચ્યો તો પત્નિએ ઝઘડો કર્યો. પોલીસે પતિ પાસે બોન્ડ ભરાવી સમાધાન કરાવી બન્નેને ઘરે મોકલી દીધા હતા.

મહિલા પોલીસ પણ કાઉન્સીલીંગ કરી પતિ-પત્નિ વચ્ચે સમાધાન કરાવી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં પણ રોજ ૪ થી ૫ કેસનુ કાઉન્સીલીંગ થાય છે. તાજેતરમાં આવા કુલ ૨૭ મામલા બહાર આવ્યા હતા.

(10:26 am IST)