Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દિલ્હીની તબલીગી જમાતમાં જનાર ૧૦ના કોરોનાથી મોત

તેલંગાણામાં ૬ તથા તામિલનાડુ - કર્ણાટક - જમ્મુ કાશ્મીરથી ૧-૧ના મોત થયાના અહેવાલ : ૧ વિદેશીનું પણ મોત : ધાર્મિક આયોજનમાં ૧૯૦૦ થી ૨૦૦૦ લોકો સામેલ થયા હતા : ૩૫૦ હોસ્પિટલમાં ૨૪ સંક્રમિત : ૧ થી ૧૫ માર્ચ દરમિયાન દિલ્હીમાં બધા ભેગા થયા'તા

હૈદરાબાદ તા. ૩૧ : દિલ્હીના નિઝામુદ્દીનમાં આયોજીત તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ૧૦ લોકોના કોરોના વાયરસના લીધે મોત થયા છે. તેમાં સૌથી વધુ મોત તેલંગાણામાં થયા છે. જયારે તામિલનાડુ, કર્ણાટક, અને જમ્મુ-કાશ્મીરમાં પણ એક-એક વ્યકિતનું મોત થયાના સમાચાર છે. એક બીજી વ્યકિત વિદેશી કહેવાય છે. આ તબલીગી જમાતમાં ભાગ લઇ પોત-પોતાના ઘરે પરત ફરેલા લોકોમાં સૌથી પહેલાં તેલંગાણાથી ૬ લોકોના મોતના સમાચાર હતા. ત્યારબાદથી સરકારી તંત્રમાં ભૂકંપ આવ્યો છે. પાટનગરમાં કલમ ૧૪૪ હોવા છતાં પણ નિઝામુદ્દીનમાં સામેલ ૨૦૦૦ લોકોમાંથી ૨૪ને કોરોના થયો છે. ૩૫૦માં મહામારીના લક્ષણ જોવા મળતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દિલ્હીની જમાતના મરકજ સંચાલકો પર એફઆઇઆરના આદેશો અપાયા છે.

કહેવાય છે કે આ ધાર્મિક આયોજનમાં લગભગ ૧૯૦૦ થી ૨૦૦૦ લોકો સામેલ થયા હતા. જેમાં દેશના અલગ-અલગ ભાગના સિવાય કેટલાંય વિદેશી નાગરિક પણ સામેલ હતા. એક વિદેશી નાગરિકના મોત સિવાય ૧૯ બીજા વિદેશી નાગિરકોમાં પણ આ વાયરસની પુષ્ટિ થઇ છે. દેશની રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં મરકજ તબલીગી જમાત હેડકવાર્ટરમાં એક ધાર્મિક કાર્યક્રમત આયોજીત થયો હતો.

કાર્યક્રમમાં સામેલ ૨૦૦થી વધુ લોકોમાં કોરોના સંક્રમણની આશંકાએ હચમચાવી દીધા છે. કોરોના સંક્રમિત થયાની સંભાવના બાદ અહીં હાજર ૧૬૩ લોકોને દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સરકાર આ વિસ્તારમાં રહેતા લોકોને પણ દિલ્હીની અલગ-અલગ હોસ્પિટલમાં તપાસ માટે દાખલ કર્યા છે. સોમવારના રોજ દિલ્હીમાં સૌથી વધુ કોરોના પોઝીટિવ ૨૫ કેસ સામે આવ્યા છે જેમાંથી ૧૯ આ કાર્યક્રમથી સંબંધિત હતા.

લોકનાયક હોસ્પિટલની તરફથી કહેવામાં આવ્યું છે કે અહીં કોરોના સંક્રમિત ૧૭૪ દર્દી દાખલ છે. જેમાંથી ૧૬૩ નિઝામુદ્દીન વિસ્તારમાંથી જ આવ્યા છે. રવિવારના રોજ ૮૫ દર્દી જયારે ૩૪ને સોમવારના રોજ દાખલ કરાયા. કેસ સામે આવ્યા બાદ દિલ્હી સરકારે મરકજના મૌલાનાની વિરૂદ્ઘ કેસ કર્યો. તેમના પર આરોપ છે કે દેશમાં લોકડાઉન હોવા છતાંય તેમણે આટલા મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાવ્યું છે. સાથો સાથ તેના માટે તેમણે કોઇ મંજૂરી પણ લીધી નહોતી.

તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલયે રાજયના એ લોકોને સાવધાન કર્યા છે જે દિલ્હીમાં આયોજીત આ મરકજ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ લોકોને તરત તેની માહિતી સરકારના અધિકારીઓએ આપવી પડશે. રાજય સરકાર આ તમામ લોકોના ટેસ્ટ અને સારવાર મફતમાં કરાવશે. કોઇને પણ જો આ લોકોની માહિતી છે તો તેઓએ સરકાર અને અધિકારીઓને તરત તેની માહિતી આપવી જોઇએ.

બીજીબાજુ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં જયાં મરકજ કાર્યક્રમ આયોજીત થયો હતો ત્યાં પોલીસ અહીં રહેનારા લોકોને બસોમાં ભરીને દિલ્હીની અલગ-અલગ હોસ્પિટલોમાં તેમના કોવિડ-૧૯ ચેકઅપ માટે લઇ જઇ રહી છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોમાં કેટલાંય કોવિડ-૧૯ પોઝિટીવ નીકળી રહ્યા છે.

કોરોનાઃ તબલીગી જમાતે સમગ્ર યુપીમાં વધાર્યુ ટેન્શન : ૧૮ જીલ્લાઓમાં શોધખોળ

લખનૌ : યુપીના ૧૮ જીલ્લાઓમાં આ કાર્યક્રમમાં ભાગ લેનારાની શોધખોળ : દિલ્હીના કાર્યક્રમમાં વારાણસી, મથુરા, મેરઠ, ગાજીયાબાદ, ગોંડા, સહારનપુર, બાગધન વગેરે શહેરોના લોકો જોડાયા હતાં હવે બધાને શોધી ટેસ્ટીંગ કરાવાશે

 

(11:25 am IST)