Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગાડીના કાગળો અને લાયસન્સ વગેરે ૩૦ જૂન સુધી ગણાશે વેલીડ

વાહન માલિકો અને ચાલકોને મોટી રાહત

નવી દિલ્હી તા. ૩૧ : કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે દેશભરમાં લગાવાયેલ લોકડાઉનના કારણે વાહનોના કાગળો રિન્યુ ન કરાવી શકયા હોય તેમના માટે રાહતના સમાચાર છે. રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયે આ અંગે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દિશા નિર્દેશો જાહેર કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એકટ ૧૯૮૯ હેઠળ માન્ય વાહનના બધા કાગળો, ડ્રાઇવીંગ લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને અન્ય દસ્તાવેજો જેની વેલીડીટી પહેલી ફેબ્રુઆરીથી ૩૦ જૂનની વચ્ચે પુરી થઇ છે, તે બધાની વેલીડીટીને ૩૦ જૂન સુધી ગણવામાં આવે.

આ આદેશથી સ્પષ્ટ થાય છે કે હવે વાહન ચાલકોએ તથા માલિકોએ મોટર વ્હીકલ એકટ સાથે સંકળાયેલા દસ્તાવેજોને રિન્યુ કરાવવા માટે હાલ પુરતું પરેશાન થવાની જરૂર નથી. તેમને કાગળોને રિન્યુ કરાવવા માટે ૩૦ જૂન સુધીનો સમય મળી ગયો છે. મંત્રાલયે કહ્યું છે કે કોરોનાના કારણે સરકારી ઓફિસો ખુલતી નથી. એવા કેસો બહાર આવ્યા છે, જેમાં લોકોને દસ્તાવેજોની વેલીડીટી માટે તકલીફનો સામનો કરવો પડે છે. ખાસ તો જીવન જરૂરી સામાનના ટ્રાન્સપોર્ટમાં લાગેલા ટ્રાન્સપોર્ટવાળાઓને મુશ્કેલી થઇ રહી છે.

વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરોને થતી મુશ્કેલીઓને જોતા બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ છે કે કાગળોની વેલીડીટી બાબતે કોઇને હેરાન ન કરવા. આ દરમિયાન વીમા નિયામક ઇરડાએ નોટીફીકેશન બહાર પાડીને કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષ એટલે પહેલી એપ્રિલ પછી પણ મોટર થર્ડ પાર્ટી લાયેબીલીટી ઇન્સ્યોરન્સ કવર માટે પ્રિમીયમના દરો પહેલા જેવા જ ચાલુ રહેશે. ઇરડાએ નવા આદેશ સુધી વીમાકર્તાઓને પ્રીમિયમ દરોમાં ફેરફાર ન કરવા કહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી બહાર પડાયેલ આ દિશાનિર્દેશોને વાહન માલિકો અને વાહન ચાલકો માટે મોટી રાહત ગણવામાં આવે છે.

(10:23 am IST)