Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

આજથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ખુબ જ સરળ બનશે

પ્રક્રિયા પહેલા કરતા સરળ કરાશે : ડીએલનું રિન્યુઅલ, જન્મતિથિ કે સરનામુ બદલવા અને નવા ડીએલ માટે અલગ ફોર્મ ભરવાની જરૂર નહીં રહે

નવીદિલ્હી,તા. ૩૧ : જો તમે હજુ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ ન બનાવ્યું હોય કે તમારી ડીએલ રિન્યૂઅલ કરાવવાનું હોય તો તમારા માટે ખુશખબર છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા પહેલા કરતા સરળ થઈ જશે. ર્લનિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, નવા ડીએલ, ડીએલનું રિન્યુઅલ, જન્મતિથિ કે એડ્રસ બદલવા માટે હવે અલગ ફોર્મ ભરવાની જરૂર નહીં રહે. સરકારની નવી પ્રક્રિયા મુજબ હવે બધા કામ માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે. ડીએલ બનાવવાની આ પ્રક્રિયા પહેલી એપ્રિલથી  લાગુ કરવામાં આવશે. ઉપર જણાવવામાં આવેલી પ્રક્રિયાઓ માટે આ ફોર્મ ઓનલાઈન મળી જશે. અત્રે જણાવવાનું કે ડીએલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટર વાહન અધિનિયમમાં સંશોધન કર્યુ છે. તમામ રાજ્યોમાં ડીએલ બનાવવા માટે નવા નિયમ ૧ એપ્રિલથી લાગુ થશે. આ અંગે તમામ આરટીઓમાં અરજીકર્તાઓએ પહેલી એપ્રિલથી ડીએલ બનાવવામાં કોઈ ફેરફાર કરવા માટે એક જ ફોર્મ ભરવું પડશે.નવી વ્યવસ્થા મુજબ અરજીકર્તાઓએ ડીએલ બનાવવા માટે વારંવાર નવું ફોર્મ ભરવું પડશે નહીં. જલદી નવું ફોર્મ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે. નવા ફોર્મમાં અરજીકર્તાઓએ ક્રમવાર આઠ જાણકારી આપવી પડશે. સૌથી પહેલા ડીએલ સંબંધી કયુ કાર્ય કરાવવા, બીજા નંબર પર ર્લનિંગ કે પરમેનન્ટ ડીએલથી કયું  વાહન ચલાવશો તથા ત્રીજા નંબરે વ્યક્તિગત માહિતી આપવી પડશે. પર્સનલ ડિટેલમાં ચોથા નંબર પર નામ અને પાંચમા નંબર પર એડ્રસ જણાવવું પડશે. છઠ્ઠા પર ડીએલમાં કયું વાહન જોડવા માંગો છો ( કાર, બાઈક, હેવી વાહન), સાતમા નંબરે સંલગ્ન દસ્તાવેજોનું વિવરણ, આઠમાં નંબર પર હસ્તાક્ષર કરવાના રહેશે. આ નવી વ્યવસ્થા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે લાગુ  કરી છે. મંત્રાલયે ગત દિવસોમાં કેન્દ્રીય મોટરયાન નિયમમાં સંશોધન કર્યા બાદ તેની અધિસૂચના જાહેર કરી દીધી છે. વિભાગીય પરિવહન અધિકારી સંજયનાથ ઝાએ જણાવ્યું કે ડીએલના નવા ફોર્મને લાગુ કરવા માટે વિભાગીય પરિવહન અધિકારીઓને આદેશ આપી દેવાયા છે. અરજીકર્તાઓની સુવિધા માટે આયુ અને એડ્રસ માટે ૧૦ પ્રકારના પ્રમાણ પત્રોને માન્યતા આપવામાં આવી છે. જેમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, જીવન વીમા પોલીસી, પાસપોર્ટ, શાળા પ્રમાણપત્ર, બર્થડે સર્ટિફિકેટ, રાજ્ય તથા કેન્દ્ર સરકાર અને સ્થાનિક શાખાના કોઈ કાર્યાલયમાંથી જારી પગારની સ્લિપ, મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગીય પરિચય પત્ર સામેલ છે. નવા કાયદામાં અધિનિયમના રૂલ ૧૦, ૧૪(૧), ૧૭(૧) અને ૧૮ને સમાપ્ત કરી દેવાયા છે. તેના સ્થાન પર નવું ફોર્મ-૨ લાગુ થશે. તમામ કાર્યો માટે અરજીકર્તાએ ફક્ત ફોર્મ ૨ ભરવું પડશે. આ ફોર્મમાં કેટલીકનવી કોલમો પણ આપવામાં આવી છે. જેમાં અરજીકર્તાએ પોતાના આધાર નંબર, ઈમેઈલ અને મોબાઈલ નંબર લખવાના રહેશે.

હાલ આ ફોર્મ ભરાય છે

ફોર્મ ૨- લર્નિંગ ડીએલ

ફોર્મ ૪- પરમેનન્ટ ડીએલ

ફોર્મ ૮- બાઈકના ડીએલમાં કારને જોડવાનું

ફોર્મ ૯- ડીએલ નવીનીકરણ

ફોર્મ સ્ટેટ રૂલ્સ-૧ - ડુપ્લિકેટ ડીએલ તથા વિવરણ સંશોધન

(12:32 pm IST)