Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઝારખંડના જોરાફાટક રોડ પર આવેલા આશિર્વાદ ટાવરમાં ત્રીજા માળે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળીઃ અનેક લોકોના મોત તેમ હજુ અનેક લોકો આગમાં ફસાયા જોવાનું જાણવા મળે છે

આગ 10 માળની બિલ્ડીંગના 5માં માળ સુધી આગ ફેલાઈઃ એક બાળકી સહિત 4 લોકોના મોત થયા હોવાની આશંકાઃ 20થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આગ બુઝાવવામાં લાગેલી છે. આ સાથે જ એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટને ખાલી કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્‍હીઃ  ઝારખંડના ધનબાદમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીંના જોરાફાટક રોડ પર આવેલા આશિર્વાદ ટાવરના ત્રીજા માળે આગ લાગી હતી.

આગનું કારણ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. આ ઘટનામાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઘણા લોકોના મોત થયા છે અને અનેક લોકો આગમાં ફસાયા છે.

હાલ ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરુ કરી હતી. આ બિલ્ડીંગની નજીક એક હોસ્પિટલ પણ આવેલી છે. ભીષણ આગના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડીએસપી લો એન્ડ ઓર્ડરના જણાવ્યા અનુસાર ધનબાદના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. કેટલાક લોકોના મોત પણ નોંધાયા છે. ચોક્કસ સંખ્યા વિશે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. બચાવ કાર્ય હજુ ચાલુ છે.

જો કે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અકસ્માતમાં એક બાળકી સહિત 4 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાનો મામલો પણ સામે આવ્યો છે. આગ આશીર્વાદ ટ્વીન ટાવર્સના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા માળ સુધી ફેલાઈ ચુકી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે ઘરમાં આગ લાગી હતી તે ઘરમાં લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ આશીર્વાદ ટાવરમાં કુલ 10 માળ છે. આગ પર હજુ કાબુ મેળવી શકાયો નથી. 20થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આગ બુઝાવવામાં લાગેલી છે. આ સાથે જ એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટને ખાલી કરવામાં આવી રહ્યા છે.

(10:41 pm IST)