Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

નાના વેપારીઓ પણ વિદેશથી ઓર્ડર મેળવી સરળતાથી એક્‍સપોર્ટ કરી શકશે

રજિસ્‍ટ્રેશન માટે પહેલા દિવસે ૩૦થી વધુ નવા એક્‍સપોર્ટર્સની નોંધણી : જીજેઇપીસી દ્વારા લોજિસ્‍ટિક કંપની સાથે નાના ઉદ્યોગકારો માટે વ્‍યવસ્‍થા ઉભી કરાઇ

મુંબઇ,તા. ૩૧: જેમ્‍સ એન્‍ડ જવેલરી એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલે લોજિસ્‍ટિક એજન્‍સી સાથે મળી વિદેશમાં એક્‍સપોર્ટ કરવા ઇચ્‍છતા નાના ઉદ્યોગકારો માટે વ્‍યવસ્‍થા ઊભી કરી છે. જેના માટે સોમવારે એક્‍સપોર્ટર્સનું રજિસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. બે દિવસીય રજિસ્‍ટ્રેશન કાર્યક્રમ દરમિયાન પહેલા દિવસે ૩૦થી વધુ તવા એક્‍સપોર્ટ્‍સ નોંધાયા હતા.

જો કોઈ ઉદ્યોગકાર કોઈ પણ પ્રકારની જવેલરી એક્‍સપોર્ટ કરે તો તેના માટે કસ્‍ટમ ક્‍લિયરન્‍સ, ઇન્‍સ્‍યોરન્‍સ સહિતની પ્રોસેસ કરવી પડે છે. મોટા ઉદ્યોગકારો આ તમામ પ્રોસેસ કરી શકે છે, જોકે નાના ઉદ્યોગકારોને ખૂબ જાણકારી નહી હોવાથી તેઓ આ પળોજણમાં પડવા માંગતા નહોતા. કસ્‍ટમ અને ઇન્‍સ્‍યોરન્‍સની ફી પણ વધારે હોવાથી નાના ઉદ્યોગકારો તેમાં રસ દાખવતા નહોતા. ઈ-કોમર્સ દ્વારા ઓર્ડર મળે તો પણ ઓછી સંખ્‍યામાં એક્‍સપોર્ટ્‍સ જવેલરી મોકલતા હતા. એક્‍સપોર્ટમાં પડતી સમસ્‍યા અંગે ઉદ્યોગકારોએ જેમ્‍સ એન્‍ડ જવેલરી એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલને રજૂઆત કરી હતી. જેના આધારે કાઉન્‍સિલે એક લોજિસ્‍ટિક કંપની સાથે મળી વ્‍યવસ્‍થા ઊભી કરી છે. જે મુજબ નાના ઉદ્યોગકારો એક વાર રજિસ્‍ટ્રેશન કરાવી નિકાસ કરી શકશે. લોજિસ્‍ટિક કંપની તેમની પાસે નિયત કરેલા દર પ્રમાણે ફી લઈ કસ્‍ટમ ક્‍લિયરન્‍સ અને અન્‍ય તમામ પ્રોસેસ કરી વિદેશની પાર્ટી સુધી પહોંચાડશે.

જેમ્‍સ એન્‍ડ જવેલરી એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલના રિજનલ ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્‍યું હતું કે અત્‍યાર સુધી નાના ઉદ્યોગકારોને વિદેશથી ઓર્ડર મળતા હતા, પરંતુ કેટલીક માહિતીના અભાવે જેમ કે કસ્‍ટમ ક્‍લિયરન્‍સ અને ઇન્‍સ્‍યોરન્‍સ સહિતની પ્રોસેસના લીધે તેમને અસુવિધા થતી હતી જેને ધ્‍યાને રાખી જીજેઇપીસીએ લોજિસ્‍ટિક કંપની સાથે મળી ઉદ્યોગકારો માટે વ્‍યવસ્‍થા સુવિધા ઊભી કરી છે. લોજિસ્‍ટિક કંપની ઉદ્યોગકારો પાસેથી પાર્સલ લેશે અને તમામ પ્રોસેસ પૂર્ણ કરી પાર્સલ વિદેશમાં પહોંચાડશે. નવી વ્‍યવસ્‍થાના લીધે નાના ઉદ્યોગકારો કે જેઓ ઇ-કોમર્સ પ્‍લેટફોર્મથી ઓર્ડર મેળવે છે તેઓને પાર્સલ મોકલવામાં ખૂબ સરળતા થશે.

(10:25 am IST)