Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

લગ્નની કંકોતરી વહેંચવા આ કન્યા સાફો બાંધીને ઘોડાગાડી પર નીકળી

જયપુર તા. ૩૧: રાજસ્થાનમાં બિન્દોરી પરંપરા મુજબ લગ્ન પહેલાં કેટલીક વિધિઓ પૂરી કરાય છે જેમાં દુલ્હો સાફો બાંધીને ઘોડાના રથ પર દુલ્હનના ઘર સુધી જાય છે. આ રસમનો હેતુ દુલ્હનના સંબંધીઓને લગ્નમાં નિમંત્રિત કરવાનો હોય છે. જો કે બ્રિટનથી NBA ભણી આવેલી ઝુંઝુનું જિલ્લાના ચિડાવા કસબામાં રહેતી ગાર્ગી અહલાવતે છોકરાઓ દ્વારા થતી રસમ પોતે કરી હતી. તે સાફો બાંધીને ઘોડાના રથ પર બેસીને પોતાનાં લગ્નની કંકોતરી સંબંધીઓને આપવા નીકળી હતી. ગાર્ગીનું કહેવું છે કે છોકરા અને છોકરી સમાન હોય છે એવું સમજે એ માટે તેણે પરંપરાગત વિધિમાં બદલાવ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં હજીયે છોકરીઓ છોકરાની બરાબરી કરે એ વાત લોકમાન્ય નથી. ગાર્ગી સ્થાનિક સંસદસભ્ય સંતોષ અહલાવતી દીકરી છે. તેમનું કહેવું છે કે લગ્ન વખતે ઘોડી પર બેસવાની રસમ માત્ર છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ અદા કરી શકે છે. આસપાસના ગામના લોકો આ અનોખી પરંપરાથી આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

(4:11 pm IST)