Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

વૃદ્ઘાશ્રમમાં પ્રેમ થઈ ગયોઃ ૬૭ વર્ષના દુલ્હા અને ૬૫ વર્ષની દુલ્હને ધામધૂમથી કર્યા લગ્ન

ઓલ્ડ એજ હોમમાં આવા પહેલા લગ્ન છે

કોચી, તા.૩૦: કેરળના ત્રિસુર જિલ્લાના રામવરમપુરમમાં સરકારી વૃદ્ઘાશ્રમમાં રહેતા ૬૭ વર્ષના કોચનિયાન મેનન અને ૬૫ વર્ષના લક્ષ્મી અમ્મલ શનિવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બંને એકબીજાને ૩૦ વર્ષથી ઓળખતા હતા. નસીબે સાથ આપ્યો અને બંને દોસ્તી પ્રેમમાં પરિણમી અને તેમણે લગ્નનો નિર્ણય કરી લીધો.

લગ્નમાં લક્ષ્મીએ સિલ્કની લાલ સાડી અને ઘરેણા પહેર્યા હતા. તેમણે વાળમાં ચમેલીના ફૂલનો ગજરો નાંખ્યો હતો. મેનને પરંપરાગત સફેદ મુંડૂ અને શર્ટ પહેર્યા હતા.

લગ્નમાં ભાગ લેવા કેરળ સરકારના રાજય મંત્રી વીએસ સુનિલ કુમાર પણ પહોંચ્યા હતા. પહેલા આ લગ્ન ૩૦ ડિસેમ્બરે થવાની હતી પણ લક્ષ્મીએ વહેલા લગ્નનો આગ્રહ રાખ્યો.

સવારે ૧૧વાગ્યે લગ્ન બાદ મહેમાનોને જમાડાયા હતા. મંત્રી સુનીલ કુમારે કહ્યું કે આ તેમના જીવનની સૌથી સુંદર પળ છે અને તેમના માટે આ લગ્ન યાદગાર રહેશે.

કુમારે જણાવ્યું કે સરકાર દ્વારા સંચાલિત ઓલ્ડ એજ હોમમાં આવા પહેલા લગ્ન છે. દુલ્હો-દુલ્હન જયારે મંડપમાં પહોંચ્યા ત્યારે ખૂબ ખુશ દેખાતા હતા.

લક્ષ્મી અને મેનન છેલ્લા ૩૦ વર્ષથી એકબીજાને ઓળખતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષથી તેમનો સંપર્ક તૂટી ગયો હતો. મેનન અમ્મલના પતિના આસિસ્ટન્ટ હતા અને તેમનું ૨૧ વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું.

લક્ષ્મી પતિના મૃત્યુ પછી સગાવહાલા સાથે રહેતા હતા અને બે વર્ષ પહેલાથી તે વૃદ્ઘાશ્રમમાં રહેવા માંડયા. મેનન પણ આ જ વૃદ્ઘાશ્રમમાં રહેવા આવી ગયા હતા. તેમની ૩૦ વર્ષની દોસ્તિ પ્રેમમાં પરિણમી ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

(9:50 am IST)