Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી : જનજીવન પર અસર

ઉત્તરપ્રદેશમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા : જમમુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પારો માઇનસમાં : ટ્રેન-વિમાની સેવાને અસર

નવી દિલ્હી,તા. ૩૦ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીના કારણે આજે પણ જનજીવન ખોરવાયેલુ રહ્યુ હતુ. તાપમાનમાં ઘટાડો થવાના કારણે ધુમ્મસની ચાદર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના અનેક ભાગોમાં પારો માઇનસમાં પહોંચી ગયો છે. ધુમ્મસના કારણે દિલ્હી-લખનૌ નેશનલ હાઇવે પર કાર અને મિનિ ટ્રક સામ સામે ટકરાતા ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ અને નવી દિલ્હીમાં વિજિબિલિટી ઘટી ગઇ છે. જમ્મુ કાશ્મીરના લેહમાં માઇનસ ૧૧.૪ ડિગ્રી તાપમાન રહ્યુ છે. આવી જ રીતે કારગીલમાં માઇનસ ૯.૨ ડિગ્રી તાપમાન રહ્યુ છે. શ્રીનગરમાં માઇનસ ૨.૮ ડિગ્રી તાપમાન રહ્યુ છે. પંજાબમાં ભટિન્ડા ખાતે ચાર ડિગ્રી તાપમાન રહ્યુ છે. હરિયાણાના હિસારમાં પારો ૪.૯ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પારો ચાર ડિગ્રી રહ્યો છે. ધુમ્મસના કારણે આજે  વિમાની સેવા અને ટ્રેન સેવા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની  અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી  દોડી રહી છે. ધુમ્મસના કારણે રેલવે બોર્ડે  ૧૫મી જાન્યુઆરી ૨૦૧૭ સુધીની ૩૨ ટ્રેનોને રદ કરી દીધી છે. ૨૮ ટ્રેનોના આવવા તેમજ જવાના સમયમાં ઘટાડો કરી દીધો છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે. એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જોવી પડી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ધુમ્મસે  રેલવે ટાઈમ ટેબલ જેવું કંઇ રહેવા દીધું નથી. કોઇપણ ટ્રેનના સમયમાં વારંવાર ફેરફાર કરવા પડી રહ્યા છે. જેને લઇને જો ટ્રેનના ઉપડવાના સમયને સાચો બતાવવામાં આવે તો પણ મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. આજ કારણસર જેમ જેમ માહિતી મળતી જાય છે તેમ તેમ દિલ્હીથી ઉપડતી અને આવતી તમામ ટ્રેનોના સમયમાં વારંવાર ફેરફાર કરવા પડે છે. કુદરત અને બદલતા જતાં વાતાવરણની વચ્ચે અમે પણ કંઇ ખાસ કરી શકતા નથી જેનેઇને મુસાફરોની મુશ્કેલીઓમાં ભારે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે.  ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં ૫૨ જેટલી ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે . સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે.

જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હાલમાં કોઇ પણ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. થોડાક દિવસ પહેલા સુધી જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશના ઉચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઇ હતી. જેથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાલમાં કાશ્મીરમાં અને હિમાચલપ્રદેશમાં ફરવા માટે ગયેલા પ્રવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે.

(12:35 pm IST)