Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કેબીનેટ મંજુરી આપે પછી ક્રિપ્ટો બિલ સંસદમાં લવાશે : નાણામંત્રી

નાણામંત્રી સિતારામને આજે રાજ્યસભામાં આપી માહિતીઃ સરકાર બીલ રજૂ કરશેઃ તેની જાહેરાત ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો નથી : ક્રિપ્ટોકરન્સીના જોખમ ઉપર સરકાર વોચ રાખી રહી છેઃ બીટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી

નવી દિલ્હી, તા. ૩૦ :. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે જણાવ્યુ છે કે, કેબીનેટ દ્વારા મંજુરી આપવામાં આવ્યા બાદ સરકાર નવુ ક્રિપ્ટો બીલ સંસદમાં લાવશે. તેમણે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર એનએફટીના રેગ્યુલેશન ઉપર પણ ચર્ચા-વિચારણા કરી રહી છે.

આજે રાજ્યસભામાં પ્રશ્નકલાક દરમિયાન નાણામંત્રીએ જણાવ્યુ હતુ કે અમે ટૂંક સમયમાં આ અંગેનુ એક બીલ સંસદમાં લાવવા જઈ રહ્યા છીએ. એક વખત કેબીનેટ બીલને પસાર કરે તે પછી તરત જ બીલ દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે જૂનુ બીલ ગત સત્રમાં મુકી શકાયુ નહોતુ. તે હવે નવેસરથી રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે, ક્રિપ્ટોકરન્સીને કારણે અનિચ્છનીય પ્રવૃતિઓના જોખમ પર પણ સરકાર બારીકાઈથી દેખરેખ રાખી રહી છે. તેમણે ઉમેર્યુ હતુ કે, આની જાહેરાત ઉપર પ્રતિબંધ મુકવાનો હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આરબીઆઈ અને સેબી મારફત જાગૃતતા અંગેના પગલાઓ લેવામાં આવ્યા છે. તેમણે લોકસભામાં ગઈકાલે જણાવ્યુ હતુ કે, બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ જ નથી. તેમણે કહ્યુ હતુ કે સરકાર બીટકોઈન લેવડદેવડ પર કોઈ ડેટા એકત્રીત કરતી નથી. ક્રિપ્ટોના વેપારથી સરકારને ટેકસ સ્વરૂપે કેટલી રકમ મળી ? તે અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે અમારી પાસે આવી કોઈ માહિતી હજુ સુધી આવી નથી.

બીટકોઈન એક ડીઝીટલ કરન્સી છે અને તે લોકોને ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા અને બેન્ક, ક્રેડીટકાર્ડ વગેરેને એટલે કે ત્રીજા પક્ષકારને વચ્ચે લાવ્યા વગર નાણાનું એકસચેન્જ થઈ શકે છે.

(3:28 pm IST)