Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

લગ્નગાળો પુરબહારમાં: નાના શહેરોમાં વેડીંગ સર્વીસની માંગ ૧૦૬ ટકા વધી

દેશભરમાં ૪-૫ મહિનામાં ૨૫ લાખ લગ્નોઃ કેટરીંગ, બેન્ડ, ડીજે, ફોટોગ્રાફર, મેકઅપમેન, હોલ, પાર્ટીપ્લોટ, પ્લાનર વગેરેના બુકીંગ ફુલ : ડેસ્ટીનેશન વેડીંગનું ચલણ પણ વધ્યુઃ આભુષણોની પણ ધુમ ખરીદીઃ ડેકોરેશનમાં પણ ડીમાન્ડ વધી

નવી દિલ્હી, તા.૩૦: કોરોનાકાળ બાદ આ વર્ષે દેશભરમાં લગ્નની સીઝન પુર બહારમાં ખીલી છે. માંગ વધતા લગ્ન અંગે સર્વીસ આપતા લોકોને ભરપુર બુકીંગ છે. નવેમ્બર-ડીસેમ્બર આવતા વર્ષે માર્ચ-એપ્રીલ દરમિયાન ૨૫ લાખ જેટલા લગ્ન આયોજન થયા છે. જેમાં વેડીંગ સર્વીસની ત્રીમાસીક આધારે માંગમાં ૪૯.૭ ટકા વધારો થયો છે.

ટીયર-૨ એટલે કે નાના શહેરોમાં તો વેડીંગ સર્વીસની માંગ ૧૦૬ ટકા વધી છે. જયારે મોટા શહેરો અને મહાનગરોમાં માંગ સ્થિર છે. દિલ્હી-મુંબઇ જેવા દેશના સૌથી મોટા શહેરોમાં વેડીંગ સર્વીસીઝની માંગ સૌથી વધુ રહી છે. બેંકવેટ હોલ માટે મુંબઇ, દિલ્હી અને ચેન્નઇમાં સૌથી વધુ બુકીંગ છે.

જયારે મેકઅપ આર્ટીસ્ટની ડીમાંડ મુંબઇ, દિલ્હી અને કોલકત્તામાં બીજા શહેરો કરતા વધુ છે. ઉપરાંત જવેલરીની ચેન્નઇ, દિલ્હી અને બેંગલુરૂમાં સૌથી વધુ ખપત થઇ રહી છે. ઉપરાંત કોરોનાના કારણે ઘણા રાજયોમાં મર્યાદીત સંખ્યામાં લગ્ન પ્રસંગની છુટછાટને લીધે ડેસ્ટીનેશન વેડીંગનું ચલણ પણ આ વર્ષે ડીમાન્ડમાં રહ્યું છે.

સૌથી વધુ માંગ વધારામાં બેન્ડવાળા છે, જેમની નાના શહેરોમાં ૧૫૨ ટકા અને મહાનગરોમાં ૧૮૧ ટકા વધારો થયો છે. સાથે જ બેંકવેટ હોલમાં ક્રમશઃ ૧૪૫ અને ૪૭ ટકા, ડીજેમાં ૯૯ અને ૧૨૨ ટકા, મેકઅપ આર્ટીસ્ટ ૪૯ અને ૩૭ ટકા, વેડીંગ ફોટોગ્રાફર નાના શહેરોમાં ૬૯ ટકા, વેડીંગ પ્લાનર ૩૯ અને ૫૪ ટકા જયારે જવેલરીમાં મોટા શહેરોમાં ૬૧ ટકા જેટલી માંગનો વધારો નોંધાયો છે.

(2:49 pm IST)