Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

એલપીજી સિલિન્ડરના ભાવ ૧લી ડિસેમ્બરથી બદલાશે

ભાવમાં ઘટાડો થવાની શક્યતા : પેટ્રોલ-ડીઝલ પણ થશે સસ્તા

નવી દિલ્હી તા. ૩૦ : ૧ ડિસેમ્બરના રોજ યોજાનારી એલપીજીની સમીક્ષામાં સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટી છે. આ સિવાય આવતા વર્ષે ઉંત્તર પ્રદેશ, પંજાબ સહિત ૫ રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની જેમ ગેસ પણ સસ્તો કરે તેવી પ્રબળ સંભાવના છે. અગાઉં દિવાળીથી એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
જો કે દિવાળી પહેલા એલપીજી પર ભાવનો બોમ્બ ફૂટ્યો હતો. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૬૬ રૂપિયાનો જંગી વધારો થયો છે, જોકે રાહતની વાત એ છે કે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજે પણ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ૨૦૦૦ રૂપિયાથી વધુ છે. પહેલા તે ૧૭૩૩ રૂપિયા હતો. મુંબઈમાં ૧૬૮૩ રૂપિયામાં ઉંપલબ્ધ ૧૯ કિલોનો સિલિન્ડર ૧૯૫૦ રૂપિયાનો થઈ ગયો. તે જ સમયે, કોલકાતામાં ૧૯ કિલોના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત ૨૦૭૩.૫૦ રૂપિયા થઈ ગઈ છે. હવે ચેન્નાઈમાં ૧૯ કિલોના સિલિન્ડર માટે ૨૧૩૩ રૂપિયા ખર્ચવા પડશે.

 

(10:43 am IST)