Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મુંબઈ લોકલના મુસાફરો આનંદો : હવે ગોરેગાંવથી પનવેલ અને સીએસટીની સીધી ટ્રેન તરત જ મળશે

હવે CSMT અને અંધેરી વચ્ચે ચાલતી 44 ફેરીઓ,પનવેલ અને અંધેરી વચ્ચે ચાલતી 18 ફેરીઓ અને સીએસએમટી અને બાંદ્રા સુધી ચાલનારી 2 ફેરીને ગોરેગાંવ સુધી લંબાવાઈ

મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રાહતના હેવાલ છે,હવે ગોરેગાંવથી પનવેલ અને ગોરેગાંવથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધીની સીધી ટ્રેનોની ફેરીમાં વધારો કરાયો છે, હવે વેસ્ટર્ન લાઈનના મુસાફરોએ પનવેલ જવા માટે વડાલા કે અંધેરી કે કુર્લાથી ટ્રેન બદલવી પડશે નહીં અને સીએસટી જવા માટે દાદર કે અંધેરીથી ટ્રેન બદલવાની જરૂર પડશે નહીં.

રેલવે દ્વારા લેવામાં આવેલા આ પગલાથી મુંબઈકરોની મુસાફરી ખૂબ જ સરળ બની ગઈ છે. આ નિર્ણય સાથે CSMT અને અંધેરી વચ્ચે ચાલતી 44 ફેરીને હવે ગોરેગાંવ સુધી લંબાવવામાં આવી છે. હાલમાં CSMT અને ગોરેગાંવ વચ્ચે 42 સેવાઓ ચાલી રહી છે. હાલમાં પનવેલ અને અંધેરી વચ્ચે ચાલતી 18 ફેરીઓને પણ ગોરેગાંવ સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત સીએસએમટી અને બાંદ્રા સુધી ચાલનારી 2 ફેરીને પણ ગોરેગાંવ સુધી લંબાવવામાં આવી છે.

 રેલવેના આ પગલાથી હવે ગોરેગાંવ માટેની કુલ ફેરી 42થી વધીને 106 થઈ જશે. હાર્બર લાઈન પર ફેરીની સંખ્યા વધીને 614 થશે અને ટ્રાન્સ હાર્બર લાઈન પર હાલમાં 262 ફેરી હશે. મુંબઈ અને તેની આસપાસની લોકલ ટ્રેનોની કુલ ફેરી હાલમાં 1,774 છે.

વેસ્ટર્ન લાઈનના મુસાફરોને હાર્બર લાઈન સ્ટેશનો સાથે જોડવા માટે લોકલ સેવાઓ વધારવાની મુંબઈવાસીઓ દ્વારા સતત માંગ કરવામાં આવી હતી. જે ટ્રેનો હવે ગોરેગાંવને હાર્બર લાઈન સાથે જોડવા માટે દોડતી હતી, તે ઓછી ફેરીને કારણે ઘણી મોડી આવતી હતી. તેથી સમય બચાવવા માટે મુસાફરો અંધેરી, વડાલા અથવા કુર્લા જતા હતા અને વાશી અને પનવેલ રૂટ પર ટ્રેન પકડતા હતા.

તેવી જ રીતે સેન્ટ્રલ લાઈનમાં પણ ગોરેગાંવથી ટ્રેનો દોડાવવામાં આવી હતી પણ તે બહુ મોડી આવતી હતી. આ કારણે લોકોને દાદરમાં ટ્રેન બદલવાનું સરળ લાગતું હતું. પરંતુ હવે ગોરેગાંવથી પનવેલ અને CSMT સુધીની સીધી ટ્રેનોની ફ્રિકવન્સી વધારી દેવામાં આવી છે અને મુસાફરોની મુસાફરી સરળ બની છે.

(12:00 am IST)