Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

૮૩ ટકા કર્મચારીઓ હાલ રસીના અભાવે ઓફિસ જતા ડરે છે

ઓસ્ટ્રેલિયા સોફટવેર કંપની એટલાસિઅન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં આ વાત બહાર આવી છે

નવી દિલ્હી,તા. ૩૦: ભારતમાં ઘરેથી કામ કરતા ૮૩ ટકા કર્મચારીઓ કોરોનાની અસરકારક રસીના અભાવે ઓફિસમાં કામ માટે જતા ડર અનુભવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની સોફ્ટવેર કંપની એટલાસિઅન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત બહાર આવી છે. આ અભ્યાસ અનુસાર સંપૂર્ણપણે ઘરેથી કામ કરવાની ઇચ્છા રાખનારા કર્મચારીઓની દુનિયાભરમાં સૌથી વધુ ટકાવારી ભારતમાં છે. ૬૬ ટકા ભારતીય કર્મચારીઓ ઘરેથી જ કામ કરવા ઇચ્છે છે.   ભારતીય કર્મચારીઓ ઓફિસમાં લાંબા કલાકો સુધી કામ કરવાથી હવે રાહત અનુભવી રહ્યા છે. વાસ્તવમાં ૭૦ ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી પહેલાં કરતાં હવે તેઓે નોકરીથી વધારે સંતુષ્ટિ અનુભવી રહ્યા છે. બલકે ૬૧ ટકા કર્મચારીઓને કોરોનાના નિયંત્રણો દરમિયાન ઘરેથી અસરકારક રીતે કામ કરી શકાતું હોવાનું જણાય છે.

૮૬ ટકા કર્મચારીઓએ વિચાર્યું હતું કે, તેમની ટીમના સભ્યો હવે એકબીજાની વધારે નિકટ આવ્યા છે અને ૭૫ ટકાએ વિચાર્યું હતું કે, કોરોના પહેલાંની સરખામણીમાં તેમની ટીમે સાથે મળીને સારી રીતે કામ કર્યું હતું. ૮૯ ટકા ભારતીય કર્મચારીઓએ તેમની ટીમમાં એકતા અને સંવાદિતા હોવાનું જણાવ્યું હતું. અન્ય એક નોંધપાત્ર તારણ એ આવ્યું હતું કે, ૫૦ ટકા મેનેજર્સે જણાવ્યું હતું કે, કોરોના પહેલાં કરતાં હવે તેઓ નોકરીમાં વધારે સલામતી અનુભવી રહ્યા છે. ૭૮ ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આખરે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા કરવા માટે મહામારીની શા માટે જરૂર પડી. મહામારી વિના પણ આવી વ્યવસ્થાનો વિચાર કરી શકાયો હોત.

આ અભ્યાસમાં ચાર અઠવાડિયાં સુધી મોટીં અને નાનાં શહેરોના ૧૪૨૫ ભારતીય કર્મચારીઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. એટલાસિઅનના સાઇટ લીડ અને એન્જિનિયરિંગ વડા દિનેશ અજમેરિયાએ જણાવ્યું હતું કે, 'આ સંશોધનનાં તારણોથી ખ્યાલ આવે છે કે, ભવિષ્યમાં કેવી રીતે આ નવી પરિસ્થિતિ કામગીરી અને સંબંધોને આકાર આપશે.'

આ સર્વે અનુસાર ૮૧ ટકા ભારતીય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કામ અને વ્યકિતગત જીવન વચ્ચેની સીમાને જાળવી રાખવી મુશ્કેલ છે. ઓસ્ટ્રેલિયામાં ૭૯ ટકા અને અમેરિકામાં ૫૮ ટકા કર્મીઓ આમ માને છે.

(9:40 am IST)