Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કયારેક ૭ સ્ટાર હોટેલમાં હતો શેફ : હવે નોકરી ગઇ તો સ્ટોલ લગાવી વેંચે છે બિરિયાની

અક્ષય હોટેલ અને ઇન્ટરનેશનલ ક્રૂઝમાં કામ કરતો હતો

મુંબઇ તા. ૩૦ : કોરોનાકાળમાં અનેક લોકોએ નોકરી ગુમાવી હતી. આ ઉપરાંત એવા પણ કામ કરવા પડ્યાં છે. જે તેમણે કયારેય કર્યા જ નથી. લોકો માટે અનેક કામ તદન નવા જ હતાં. જેમ કે કોઈ શિક્ષકને મજૂરી કરવી પડી તો વળી કોઈ બાળકનો અભ્યાસ છૂટી ગયો અને તેને પણ મજૂરી કરવી પડી. જોકે, કેટલાક લોકોએ હિંમત ન હારતાં પરિસ્થિતિ સામે લડી લેવાનો જુસ્સો બતાવ્યો અને દુનિયા પણ આશ્ચર્યમાં પડી ગઈ કે ભાઈ આવું કોઈ કેવી રીતે કરી શકે? આવો જ એક વ્યકિત છે અક્ષય પાર્કર, જે પહેલા ૭ સ્ટાર હોટેલ અને ઈન્ટરનેશનલ ક્રૂઝમાં કામ કરતો હતો અને હવે તે રસ્તા પર બિરિયાનીનો સ્ટોલ લગાવીને બિરિયાની વેચે છે.

તે મુંબઈના દાદરમાં રસ્તાના કિનારે જ પોતાનો સ્ટોલ લગાવે છે. ફેસબુક પેજ @beingmalwaniએ તેની અનોખી સ્ટોરી દુનિયા સામે શેર કરી છે.

આ ફેસબુક પેજ પર તેમની સ્ટોરી શેર કરવામાં આવી છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે લોકડાઉન પહેલા જ અક્ષય મુંબઈની તાજ સત્સ હોટલ જેવા ૭ સ્ટારમાં શેફ તરીકે કામ કરતો હતો. ત્યાં સુધી કે તે આંતરરાષ્ટ્રીય ક્રૂઝમાં આશરે ૮ વર્ષ સુધી શેફ તરીકે કામ કર્યું છે. આ લોકડાઉનમાં અક્ષય પાર્કરે નોકરી ગુમાવી અને પછી તેણે દાદરમાં બિરિયાનીનો સ્ટોલ લગાવ્યો હતો. હવે તે આ સ્ટોલના આધારે જ પોતાના પરિવારનો ખર્ચો ચલાવે છે.

આ ફેસબુક પોસ્ટની સ્ટોરી સામે આવ્યા પછી લોકોએ અક્ષયના કામના વખાણ કર્યા હતાં. કેટલાક લોકોએ તેને શુભેચ્છા પણ પાઠવી હતી. કેટલાક લોકોએ કહ્યું કે તે એવા લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. જેઓ હિંમત હારી ગયા છે. આ ઉપરાંત તે એવા લોકો માટે પણ આદર્શ બન્યો છે. જે નાના કામ કરવા માટે શરમ અનુભવે છે. અક્ષય મોટી મોટી હોટેલ્સમાં કામ કર્યા પછી પણ રસ્તા પર પોતાનો કારોબાર કરી રહ્યાં છે. આને કહેવાય પોતાના કામ પ્રત્યે પ્રેમ કરવો.

(9:35 am IST)