Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

આજે દેવ દિવાળીએ આજે વારાણસી જશે PM: ૧૫ લાખ દીવાઓથી સજાવાશે ૮૪ ગંગા ઘાટ

પહેલો દીવો PM મોદીના હાથથી થશે પ્રજ્વલિત : ઘાટ પર યોજાશે લેસર શો

કાશી તા. ૩૦ : વારાણસીમાં દેવ દિવાળીના અવસરે ગંગાના ૮૪ ઘાટ પર લગભગ ૧૫ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. કાશી તટ આજે ૧૫ લાખ દીવાથી ઝગમગશે. ખાસ વાત છે કે પહેલો દીવો PM મોદી પોતે પ્રગટાવશે.

દેવ દિવાળીના કાર્યક્રમમાં ભાગ લેતા પહેલાં પીએમ મોદી રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૯ને રાષ્ટ્રના નામે સમર્પિત કરશે. આ સડક વારાણસીથી પ્રયાગરાજને જોડશે. આ સડકના નિર્માણમાં ૨૪૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સડક ખોલવા માટે વારાણસી- પ્રયાગરાજનું અંતર કાપવામાં એક કલાકનો સમય ઘટી જશે.

PM મોદીની હાજરીમાં આ વખતે વારાણસીના ઘાટ પર લેસર શોનું આયોજન પણ કરાશે. જે રીતે અયોધ્યાના લેસર શોની મદદથી દુનિયાને ભવ્ય દિવાળીનો અનુભવ કરાવાય છે તેવી આવી કોશિશ આ વખતે બનારસના ઘાટ પર પણ કરાશે.

કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેકટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. અહીં ૫૫ હજાર સ્કેવર મીટરમાં બની રહેલો કોરિડોર ભવ્ય દેખાઈ રહ્યો છે. કાશી ધામ હવે રાજસ્થાન અને મિર્ઝાપુરના ગુલાબી પત્થરોથી સજાવાશે.

પીએમ મોદી આજે લગભગ સાડા ૬ કલાક સુધી વારાણસીમાં રહેશે. આ સમયે તેઓ બાબા વિશ્વનાથના દર્શન પણ કરશે અને ગંગા નદી પર તૈનાત ક્રૂઝથી દેવ દિવાળી પણ જોશે.

(9:34 am IST)