Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જાપાનમાં કોરોનાથી એક વર્ષમાં જેટલા મૃત્યુ પામ્યા તેના કરતા વધુ લોકોએ એક મહિનામાં આપઘાત કર્યો

એક વર્ષમાં કોરોનાથી 2087 મૃત્યુ : આપઘાતથી 2153 લોકોએ મોતને વ્હાલુ કર્યું જાપાનની સરકારે આ સ્યૂસાઈડનો ડેટા જાહેર કર્યો

જાપાનમાં આપઘાતના કેસમાં જબરો વધારો થઇ રહયો છે માત્ર ઓક્ટોબર-2020માં જાપાનમાં આપઘાતથી 2153 લોકોએ મોતને વ્હાલુ કર્યું છે. જ્યારે કોરોનાના કારણે જાપાનમાં કુલ મોતનો આંકડો 2087 છે. એટલે કે, સમગ્ર વર્ષમાં કોરોનાથી જેટલા મોત થયા છે, તેનાથી વધુ માત્ર એક મહિનામાં જ લોકોએ આપઘાત કર્યો છે જાપાનની સરકારે આ સ્યૂસાઈડનો ડેટા જાહેર કર્યો છે

જાપાનની વસ્તી 12 કરોડની આસપાસ છે. અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1.42 લાખ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોરોનાથી જાપાનમાં માત્ર 2087 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે મહામારીના કારણે લોકોની જિંદગી પર નકારાત્મક અસર થઈ રહી છે. કોરોનાના કારણે લોકો તનાવમાં રહે છે. અનેક લોકોનો પગાર પણ ઓછી કરી દેવામાં આવ્યો છે.

એક્સપર્ટે ચેતવણી આપી છે કે, કોરોના મહામારીના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. મોટા પાયે લોકો બેરોજગાર થઈ શકે છે અને એન્જાઈટીનો સામનો કરનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

જાપાન દુનિયાના એવા દેશોમાં છે, જ્યાં સમયાંતર સ્યૂસાઈડના ડેટા જાહેર કરવામાં આવે છે. અમેરિકન સરકારે 2018 બાદ સ્યૂસાઈડના ડેટા ડિક્લેર નથી કર્યાં. એક્સપર્ટના મતે, જાપાનના સ્યૂસાઈડના આંકડાથી અન્ય દેશોની સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે

જો કે જાપાનમાં પહેલાથી જ આપઘાતનું પ્રમાણ વધારે રહ્યું છે. 2016માં આપઘાત કરીને મોતને વ્હાલુ કરનારા લોકોનો દર પ્રતિ એક લાખ લોકો પર 18.5 હતો. જે સાઉથ કોરિયા બાદ વિશ્વમાં સૌથી વધુ હતો. જ્યારે તે સમયે વૈશ્વિક સ્તરે આપઘાતનો દર પ્રતિ એક લાખ વ્યક્તિએ 10.6 હતા.

2019માં જાપાનમાં કુલ 20 હજાર લોકોના મોત આપઘાત કરવાના કારણે થયા હતા. જ્યારે ગત વર્ષના ઓક્ટોબર મહિનાીન સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબરમાં મહિલાઓના આપઘાતનું પ્રમાણ 83 ટકા વધી ગયુ છે. જ્યારે પુરુષોમાં આપઘાતનું પ્રમાણ 22 ટકા વધ્યું છે. જેના પરથી સમજી શકાય છે કે, મહામારીની માર મહિલાઓ પર વધારે પડી છે

(12:00 am IST)