Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

દિલ્હીમાં કોરોના સંક્રણમનો પોઝિટિવિટી રેટ નીચો ગયો

ત્રીજી લહેરનો અંત આવશે તેવી આશા : જો દિલ્હીમાં આ રીતે કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવતો રહ્યો તો ત્રીજી લહેરનો જલદી અંત આવી શકે છે

નવીદિલ્હી, તા. ૨૯ : નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ દિલ્હીમાં ૨૩ ઓક્ટોબર કરતા નીચો આવ્યો છે. આ સાથે નવા કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, ૬૯,૦૫૧ ટેસ્ટ થયા હતા જેની સામે ૪,૯૯૮ કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે શહેરમાં કુલ ૮,૯૯૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું છે કે, ૭ નવેમ્બરથી દિલ્હીમાં પોઝિટિવિટી રેટ નીચો જઈ રહ્યો છે, આશા છે કે આ ટ્રેન્ડ યથાવત રહેશે અને દિલ્હીવાસીઓ સાથે મળીને સરકાર ત્રીજી લહેર સામે જીત મેળવશે. તમામ બાબતો પર નજર રાખવા વિનંતી છે.

ઓક્ટોબર ૨૩ના દિલ્હીનો પોઝિટિવિટી રેટ ૭% રહ્યો હતો, જે શુક્રવારે ૮.૫% રહ્યો, ગુરુવારે ૮.૭% હતો અને બુધવારે ૮.૫% હતો. પોઝિટિવિટી રેટ કુલ ટેસ્ટની સંખ્યા સામે આવતા પોઝિટિવ કેસની ટકાવારી છે. પોઝિટિવિટી રેટ ઊંચો હોય તેનો મતલબ એવો થાય છે કે મોટા પ્રમાણમાં સંક્રમિત લોકો છે કે જેમના ટેસ્ટ થાય તે જરુરી છે.

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સાત દિવસમાં રોજના સરેરાશ કેસનો આંકડો રાજધાની દિલ્હીમાં નીચો આવીને ૫,૫૧૮ પર પહોંચ્યો છે. બે અઠવાડિયા પહેલા તે ૭,૩૪૧ હતો. પાછલા શનિવારે સરેરાશ આંકડો ૫,૮૫૦ હતો. ૬૯,૦૫૧ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં ૩૩,૧૪૭ RT-PCR અને ૩૫,૯૦૪ રેપિડ એન્ટિજન ટેસ્ટ છે, જે પાછલા ૨૪ કલાકમાં કરવામાં આવ્યા છે.

દિલ્હી બુલેટિન પ્રમાણે શનિવારે કુલ કોરોના વાયરસના કેસનો આંકડો ૫,૬૧,૭૪૨ પર પહોંચ્યો છે. દિલ્હીમાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૩૬,૫૭૮ થયો છે, જે શુક્રવારે ૩૮,૧૮૧ હતા. પાછલા શનિવારે દિલ્હીમાં ૬,૭૪૬ કેસ નોંધાયા હતા જે પછી સોમવારે ૪,૪૫૪, મંગળવારે ૬,૨૨૪, બુધવારે ૫,૨૪૬, ગુરુવારે ૫,૪૭૫ અને શુક્રવારે ૫,૪૮૨ કેસ નોંધાયા હતા.

નવા કેસમાં ઘટાડો થવાની સાથે કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં બેડ ખાલી થયા છે. કુલ ૧૮,૩૯૭ બેડ છે, જેમાં શનિવારે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૯,૯૦૦ (૫૪%) ખાલી હતી. જેમાં વેન્ટિલેટર સાથેના ૈંઝ્રેં બેડ ૧૭% અને વેન્ટિલેટર વગરના ૩૦% છે.

(12:00 am IST)