Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મંદીની વચ્ચે ટેરિફ પ્લાનમાં કાલથી જંગી વધારો અમલી

કાલથી ટેલિકોમ સર્વિસ વધુ મોંઘી બની જશે : કોલ કરવાની સાથે આજથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની બાબત વધારે મોંઘી : ૩૫ ટકા સુધીનો જંગી વધારો રહેશે

નવી દિલ્હી, તા. ૩૦ : આર્થિક મંદીના દોરમાં વધુ બોજ પડવાની તૈયારી લોકોએ પણ કરી લીધી છે. આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી ટેલિકોમ કંપનીઓએ હવે દેવાના બોજને મોબાઈલ ફોન ગ્રાહકો પર જીકવાની તૈયારી કરી લીધી છે. આના ભાગરૂપે મોબાઈલ ફોનધારકોને આવતીકાલથી કોલ કરવાની સાથે સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની બાબત વધારે મોંઘી થશે. એટલે કે ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનમાં વધારો કરી રહી છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પહલી ડિસેમ્બરથી પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવા જઈ રહી છે. એજીઆરના ભારે ભરખમ દેવાને ભરવા માટે બંને કંપનીઓ આ દિશામાં આગળ વધી રહી છે. બંને કંપનીઓએ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. મોબાઈલ ટેરિફમાં કેટલો વધારો કરવામાં આવશે. તેની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દુરસંચાર કંપનીઓ મોબાઈલ ટેરિફમાં ૩૫ ટકા સુધી વધારો કરી શકે છે.

           દુરસંચાર કંપની ભારતી એરટેલનું કહેવુ છે કે, ટેલિકોમ સેક્ટરમાં નવી ટેકનિકનો ઉપયોગ કરવા માટે વધારે પ્રમાણમાં રોકાણની જરૂર છે. જેથી ટેરિફમાં વધારો કરવામાં આવી રહ્યો છે. એરટેલના ૧૦૦ રૂપિયાના રિચાર્જ હવે ૧૩૫ રૂપિયા સુધી થઈ જશે. તેવી આશા પણ છે કે રિચાર્જની કિંમત વધારવામાં ન આવે પરંતુ આના બદલે વોઈસ કોલ, ડેટા અને એસએમએસની સેવાને ઘટાડી દેવામાં આવે. જોકે સંપૂર્ણ ચિત્ર એક બે દિવસ બાદ દ સ્પષ્ટ થશે. બીજી બાજુ નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી વોડાફોન-આઈડિયા લિમેટેડે કહ્યું છે કે, તે ટેરિફમાં વધારો કરી રહી છે. આને આવતીકાલથી અમલી કરવામાં આવશે. ટેલિકોમ સેક્ટરની બંને કંપનીઓ તરફથી જાહેરાત કરવામાં આવ્યા બાદ રિલાયન્સ જીઓએ પણ ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ ટ્રાય દ્વારા ગ્રાહકોના હિતની સુરક્ષા માટે દુરસંચાર કંપનીઓ દ્વારા ટેરિફ ઓફર્સના પ્રકાશનમાં પારદર્શિતાના મુદ્દા પર વાતચીતની પ્રક્રિયા શરૂ કરી છે.

              ટ્રાયે ટેરિફ સાથે જોડાયેલી માહિતીઓમાં પારદર્શિતાની કમી પર મોટી સંખ્યામાં ગ્રાહકોની ફરિયાદને લઈને પગલા લીધા છે. ટેલિકોમ સેક્ટર સાથે જોડાયેલા જાણકાર લોકોનું કહેવુ છે કે, ૧૪ વર્ષ જુદા એજીઆરના મામલા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટેલિકોમ કંપનીઓ પર દેવાદારી વધી ગઈ છે. ટેરિફ વધારીને આગળ વધવાની તૈયારી કરી લેવામાં આવી છે. ટેલિકોમ સર્વિસ મોંઘી થઈ રહી છે. એરટેલ, વોડાફોન-આઈડિયા, રિલાયન્સ જીઓ, બીએસએનએલએ પોતાના ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બિઝનેસમાં થઈ રહેલા નુકસાનના કારણે ટેરિફ રેટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ટેરિફમાં ૩૦ ટકા સુધીનો વધારો થઈ શકે છે. આના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

રિલાયન્સ જીઓ દ્વારા યુઝર્સને ૪૯૮ રૂપિયાના લોંગ ટર્મ પ્લાનની ઓફર કરે છે. આ તમામ કારણોને ધ્યાનમાં લઈને આગળ વધી શકાય છે.

(9:16 pm IST)