Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરમાં દોષિતોને કસ્ટડીમાં લેવાયા

નરાધમો ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં :તબીબ પર બળાત્કાર ગુજારી ક્રુર હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવી દેવાના બનાવને લઈને લોકો દ્વારા હિંસક દેખાવો

હૈદરાબાદ, તા. ૩૦ : તેલંગાના મહિલા તબીબ પર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ હત્યાના મામલામાં ઝડપાયેલા તમામ ચારેય નરાધમોને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તમામ ચારને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈને ઉંડી પુછપરછ શરૂ થઈ ચુકી છે. ગેંગરેપ અને હત્યાના આ સનસનાટીપૂર્ણ મામલામાં તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા બાદ તેલંગાનાની શાદનગર કોર્ટના મેજિસ્ટ્રેટ દ્વારા કસ્ટડીનો આદેશ કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટે કોર્ટમાં નહીં બલકે શાદનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટડી માટેનો આદેશ કર્યો હતો. કારણ કે જર્જની ઉપલબ્ધતા નહીં હોવાના કારણે મહેબુબનગર ખાતે ફાસ્ટટ્રેક કોર્ટમાં રજુ કરાઈ શક્યા ન હતા. પોલીસ સ્ટેશનની બહાર ખુબ તંગ સ્થિતિ બનેલી હતી. બીજી બાજુ શાદનગર પોલીસ સ્ટેશનથી તમામ આરોપીઓને ચંચલગુડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તે પહેલા સરકારી હોસ્પિટલના ત્રણ તબીબોને પણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

                        કારણે કે પોલીસ સ્ટેશન સામે જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. લોકોને દુર થવા પોલીસ દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં લોકો દુર થયા ન હતા. જેથી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ખુબ તંગ સ્થિતિમાં મેજિસ્ટ્રેટને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. નરાધમોને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી. ન્યાયને લઈને સ્થાનિક લોકો જોરદાર આક્રમક મુડમાં દેખાઈ રહ્યા હતા. ૨૫ વર્ષીય તબીબ પર બુધવારની મોડી રાત્રે હૈદરાબાદના પરા વિસ્તારમાં સમસાબાદ ખાતે ઓઆરઆર ખાતે ટોલપ્લાઝા નજીક બે ટ્રક ડ્રાઇવર અને બે ક્લીનરો દ્વારા બળાત્કાર ગુર્જાયો હતો અને તેની હત્યા કરી દીધી હતી. તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. આગલા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે અપરાધીઓ દ્વારા ચાર આરોપીઓની ધરપકડની જાહેરાત કરવામાં આવી હતી.  ઝડપાયેલાઓમાં બે ટ્રક ડ્રાઇવરો અને બે ક્લીનરોનો સમાવેશ થાય છે. પોલીસે શુક્રવારે મોડી રાત્રેજ ઘટનાસ્થળે જ આરોપીઓને લઈને પહોંચી હતી અને તેમના નિવેદનની નોંધણી કરી હતી. સાથે સાથે ક્રાઈમને લઈને વધુ માહિતી મેળવી હતી. આજે મોટી સંખ્યામાં લોકો હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શનને લઈને ઉમટી પડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ લોકોની ઓળખ મોહમ્મદ આરીફ, નવીન, ચિંતાકુંતા, શિવા તરીકે થઈ છે. હૈવાનિયતની આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી.

અપરાધની સાથે સાથે

*   તેલંગાણા મહિલા તબીબ પર બળાત્કાર ગુજારી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેવાના મામલામાં ચારેય આરોપીઓની ધરપકડ કરાઈ

*   કમકમાટીભર્યા કેસમાં ચારેય આરોપીઓને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાયા

*   પોલીસ સ્ટેશનની બહાર વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ

*   મોટી સંખ્યામાં લોકો દ્વારા હિંસક દેખાવો કરવામાં આવ્યા

*   નરાધમોને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરવામાં આવી

*   મેજિસ્ટ્રેટને પણ તંગ સ્થિતિ વચ્ચે પાછલા બારણેથી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા

*   નિર્ભયાનો વધુ એક બનાવ સપાટી પર આવ્યો

(7:52 pm IST)