Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

જબલપુરમાં ૧૧ થી ૧૩ ડીસેમ્બર ઓશો મહોત્સવ

દેશ વિદેશના ઓશો ભકતો ભેગા થશેઃ મધ્યપ્રદેશ સરકારના અધ્યાતમ વિભાગની પહેલ

જબલપુર :  જબલપુરના ઓશો મહોત્સવની રૂપરેખા પર ચર્ચા કરવા કલેકટર ભરત યાદવની અધ્યક્ષતામાં જીલ્લા પ્રસાસન અને ઓશો ભકતોની એક બેઠક થઇ હતી. બેઠકમાં ઓશો ભકતોએ જણાવ્યું હતું કે, ઓશોના જન્મદિન પર આયોજીત ત્રીદિવસીય ઓશો મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં વિશ્વના કેટલાય ભાગીમાંથી મોટી સંખ્યામાં ઓશો અનુયાયીઓ સામેલ થશે.

જન્મોત્સવમાં દેશ વિદેશના સાહિત્યકારો, વાર્તા લેખકો, ફિલ્મ નિર્માતા, ડાયરેકટર, ગીતકાર, પટકથા લેખક, કવિગણ, ફિલ્મ અભિનેતા અને સંગીતકારો દ્વારા ઓશોના વિચારો પર ચર્ચા અને રજુઆતો થશે. જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમોમાં જાવેો અખ્તર, સુભાઇધાઇ, વેદ પ્રતાપ વૈદિક, મુકેશ નાયક, ડોકટર કપિલ તિવારી, ગુલઝાર, આશુતોષ રાણા, વિશાલ ભારદ્વાજ, કમલ દિક્ષિત, બ્રજમોહન ગોસ્વામી, નરિંદર પાલ,રૂપરાહ, કૃષ્ણ વેદાંત વગેરે ભાગ લેશે.

 સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગીતોની રજુઆત સુફી ગાયીકા રેખા ભારદ્વાજ અને સીમા કપૂર કરશે. કલેકટર યાદવે ઓશો મહોત્સવની તૈયારીઓ અંગે વિવિધ પાસાઓ પર ચર્ચા કરતા જીલ્લાના અન્ય વિભાગોની કામગીરી નક્કી કરવા આજે બપોરે ૩ વાગે કલેકટર કચેરીમાં એક ખાસ મીટીંગનું આયોજન કરવાના આદેશો આપ્યા છે.

કાર્યક્રમ રામપુરમાં તરંગ પ્રેક્ષાગૃહ ખાતે ૧૧ ડીસેમ્બરથી ૧૩ડીસેમ્બર દરમ્યાન સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી તથા સાંજે સાતથી રાતના ૧૦ વાગ્યા સુધી આયોજીત થશે. જેમાં વિશ્વ વિખ્યાત કવિઓ અને ગાયકો પોતાની રજુઆત કરશે.

મહોત્સવની તૈયારીઓ માટે જગ્યાની પસંદગી, ડોમ અને પંડાલ, ભકતોના ભોજન અને રહેઠાણની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરે બાબતો પર ચર્ચાઓ થઇ હતી. માં પૂર્ણિમા, સ્વામી સોહનસિંહ, સ્વામી આનંદ વિપુલ, સ્વામી અમિત, સ્વામી વિવેક, સ્વામી ઇન્દ્રપાલ રૂપરાહ, સ્વામી વિનીત, સ્વામી હરત તથા દેવલાલ ઓશો આશ્રમના સંચાલિકા માં સવિતા તથા જેટીપીસીના સીઇઓ હેમંતકુમારસિંહ પણ ઉપસ્થિત રહયા હતા.

(3:59 pm IST)