Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

હાય રે બેકારી... કયાં છે વિકાસ?

સફાઈ કર્મચારીની નોકરી માટે ૭,૦૦૦ એન્જિનિયર્સ, ગ્રેજયુએટસે કરી અરજી

ચેન્નાઇ, તા.૩૦: દેશમાં બેરોજગારીનું સ્તર કેટલું વધારે છે તે આ સફાઈ કર્મચારીની ૫૪૯ પોસ્ટ માટેની ભરતી માટે હજારો એન્જિનિયર્સ, ગ્રેજયુએટ્સે કરેલી અરજી પરથી જાણી શકાય છે. તમિલનાડુના કોઈમ્બતુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહાર પાડવામાં આવેલી સેનેટરી વર્કર્સ (સફાઈ કર્મચારીઓ)ની નોકરી માટે ૭,૦૦૦ એન્જિનિયર્સ, B.Sc, M.comની ડિગ્રી ધરાવતા ગ્રેજયુએટ્સ યુવાનોએ અરજી કરી છે.

વેરિફિકેશનમાં જાણવા મળ્યું કે સફાઈ કર્મચારીના ૫૪૯ પદ માટેની ભરતીમાં અરજી કરનાર મોટાભાગના ઉમેદવારો પાસે એન્જિનિયર, પોસ્ટ ગ્રેજયુએટ, ગ્રેજયુએટ અને ડિપ્લોમાની ડિગ્રી છે જયારે આ નોકરી માટેનું કવોલિફિકેશન ધોરણ ૧૦ પાસ રાખવામાં આવ્યું છે.

આ નોકરીનો શરૂઆતનો પગાર રૂપિયા ૧૫,૭૦૦ છે. સરકારી નોકરીની ઈચ્છા માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનો સફાઈ કર્મચારીની નોકરી માટે અરજી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ સફાઈ કર્મચારીની નોકરી માટે અરજી કરનાર દ્યણાં યુવાનો હાલ પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે કે જયાં તેઓને ૧૨-૧૨ કલાક કામ કરવું પડે છે. પગાર પણ ઓછો છે અને નોકરી પણ સુરક્ષિત નહીં હોવાને કારણે દ્યણાં ગ્રેજયુએટ્સ યુવાનોએ ધોરણ ૧૦ પાસ આધારિત સફાઈ કર્મચારીની નોકરી માટે અરજી કરી છે.

(8:01 pm IST)