Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સરકારની તરફેણમાં ૧૬૯ ધારાસભ્યો રહ્યા

ભાજપના બહિષ્કાર વચ્ચે ઉદ્ધવ ઠાકરે ફલોર ટેસ્ટમાં પાસ

એમએનએસના ધારાસભ્યએ વોટીંગ ન કર્યુઃ કુલ ૪ ધારાસભ્યો તટસ્થ રહ્યાઃ ઉદ્ધવને ૧૫ નાના પક્ષો અને અપક્ષોનું સમર્થન મળ્યુ

મુંબઇ તા.૩૦: ભાજપના ધારાસભ્યોના વોકઆઉટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારે બહુચર્ચિત ફલોર ટેસ્ટ પાસ કરી દીધો છે અને વિધાનસભામાં બહુમતિ મેળવી લીધી છે.  અશોક ચવ્હાણે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને એનસીપીના નવાબ મલિકે સમર્થન આપ્યુ હતું. સરકારની તરફેણમાં ૧૬૯ સભ્યો રહ્યા હતાં. એમએનએસએ સરકારના પક્ષમાં વોટ આપ્યો નહોતો. વોટીંગ દરમિયાન કુલ ૪ સભ્યો તટસ્થ રહ્યા હતાં.

જો કે, ભાજપના ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારે હંગામો કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ભાજપનો આરોપ હતો કે સમગ્ર કાર્યવાહી બંધારણ અને નિયમોને નેવે મુકીને કરવામાં આવી રહી છે. ભાજપે આરોપ મુકયો હતો કે વંદે માતરમ્થી વિધાનસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી. જ્યારે પ્રોટેમ સ્પીકર દિલીપ વલસેએ કહ્યુ હતું કે, રાજ્યપાલની મંજૂરીથી ગૃહ બોલાવવામાં આવ્યુ છે અને બધુ નિયમ મુજબ જ છે. પરંતુ ભાજપના સભ્યોને સંતોષ થયો નહોતો અને નારેબાજી કરી ગૃહનો વોકઆઉટ કર્યો હતો.

ભાજપના ધારાસભ્યોની ગેરહાજરીમાં સરકારની તરફેણમાં કેટલા સભ્યો છે તેની ગણતરી કરવામાં આવી છે અને આખરે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. સરકારની તરફેણમાં ૧૬૯ ધારાસભ્યો રહ્યા હતાં જ્યારે એમએનએસના ધારાસભ્યો વોટીંગથી દૂર રહ્યા હતાં. કુલ ૪ ધારાસભ્યોએ વોટીંગ કર્યુ નહોતું. ૨૮૮ સભ્યોના ગૃહમાં બહુમતિ માટે ૧૪૫નું સંખ્યાબળ હોવું જરૂરી છે. શિવસેના પાસે ૫૬, એનસીપી પાસે ૫૪ અને કોંગ્રેસ પાસે ૪૪ ધારાસભ્યો છે. આ પ્રકારે ગઠબંધન પાસે કુલ ૧૫૪ ધારાસભ્યોનું સમર્થન હતું. તેઓને ૧૫ અન્ય ધારાસભ્યોનો ટેકો મળ્યો હતો. તેમાં અપક્ષો અને અન્ય નાના પક્ષોનો પણ સમાવેશ થાય છે.

ફલોર ટેસ્ટ પહેલા જ અઘાડીના નેતાઓએ કહ્યુ હતું કે અમે જરૂરથી વિશ્વાસનો મત મેળવી લઇશુ. હવે સૌનું ધ્યાન સ્પીકરની ચૂંટણી અને નાયબ મુખ્યમંત્રીની વરણી ઉપર કેન્દ્રીત થયું છે.

(3:38 pm IST)