Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગોપાલ ચાવલા સાથેની તસવીરથી સિદ્ધુ મુશ્કેલીમાં, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું-'રાસુકા હેઠળ ધરપકડ કરો'

પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થયા બાદ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે

નવીદિલ્હી, તા.૩૦: પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થયા બાદ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ઘુ ફરીએકવાર વિવાદમાં સપડાયા છે. આ વખતે ખાલિસ્તાની સમર્થક ગોપાલ ચાવલા સાથે તેમની તસવીર સામે આવ્યા બાદ અનેક લોકોના નિશાન પર છે. જો કે સિદ્ઘુએ ચાવલાને ઓળખતા હોવાની સ્પષ્ટ ના પાડી દીધી. જેના પર  ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કટાક્ષ કરતા કહ્યું કે હવે તમે કહેશો કે મારે ખાલિસ્તાન સાથે કોઈ સંબંધ નથી અને હું તેની નિંદા કરું છું. સ્વામીએ એમ પણ કહ્યું કે સિદ્ઘુની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ) પાસે કરાવવી જોઈએ. આ સાથે જ તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવી જોઈએ.

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં ખાલિસ્તાન સમર્થક આતંકી ગોપાલ ચાવલાની હાજરી પર મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદ એટલા માટે પણ વધી ગયો છે કારણ કે ગોપાલ ચાવલાએ પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ઘુ સાથે મુલાકાત કરી હતી. ચાવલાએ સિદ્ઘુ સાથેની મુલાકાતની તસવીર પણ ફેસબુક પર શેર કરી હતી. આ તસવીરને શેર કરતા ગોપાલ ચાવલાએ સિદ્ઘુને 'પાજી' કહીને સંબોધિત કર્યા હતાં. પંજાબમાં પાજીનો અર્થ મોટાભાઈ થાય છે.

આ તસવીરને પોસ્ટ કર્યાના ગણતરીની ક્ષણોમાં ગોપાલ ચાવલાએ બીજી એક પોસ્ટ કરી છે જેમાં તેણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર પોતાના નિવેદનનો વીડિયો શેર કર્યો છે. આ શેર  કરતા ગોપાલ ચાવલાએ પાકિસ્તાન જીંદાબાદ લખ્યું છે. કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગના કાર્યક્રમમાં ગોપાલ ચાવલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોવા મળ્યો હતો. આ સાથે જ ગોપાલ ચાવલા પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવા સાથે પણ ઉષ્માભરી રીતે મળતો જોવા મળ્યો હતો.

પાકિસ્તાનથી પાછા ફર્યા બાદ અટારી વાદ્યા બોર્ડર પર નવજોત સિંહ સિદ્ઘુએ કહ્યું કે બંને દેશોએ આપસી દુશ્મની ખતમ કરવી જોઈએ. પરમાત્મા રસ્તા બનાવે છે અને તેણે બંને દેશોને એક કરવા માટે રસ્તો બનાવ્યો. ચાવલા સાથેની તસવીર અંગે સિદ્ઘુએ કહ્યું કે મારા ૫દ્મક ૧૦,૦૦૦ ફોટા પડ્યાં, મને નથી ખબર ગોપાલ ચાવલા કોણ છે. મીડિયા સાથે વાતચીતમાં સિદ્ઘુએ ખાલિસ્તાન સમર્થક ગોપાલસિંહ ચાવલાને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. તેમણે સ્પષ્ટપણે કહી દીધુ કે ચાવલા કોણ છે તે  તેમને  ખબર નથી.

(4:17 pm IST)