Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગુજરાતમાં સ્ટેટસ, સ્વરક્ષણ તથા પ્રભાવ પાડવા કમરે 'ફટાકડી' રાખવાનું વધી રહ્યું છે ચલણ

સ્વરક્ષણ અને પાકના બચાવ માટે હથીયારના લાયસન્સ મેળવે છે લોકોઃ દેશમાં સૌથી વધુ યુપીમાં ૧૩ લાખ લાયસન્સ ધારકો

નવી દિલ્હી તા. ૩૦ : ગુજરાતમાં દિવસે દિવસે લાયસન્સવાળા હથિયાર રાખનારાઓની સંખ્યા વધી રહી છે. જેમાં મધ્ય ગુજરાતના માત્ર ૮ શહેર અને જિલ્લાની વાત કરીએ તો ૧૪,૬૨૯ વ્યકિતઓ પાસે રિવોલ્વર રાખવાનો પરવાનો છે. જેમાં પોતાના અને પાકના રક્ષણ માટે હથિયારો રાખતાં હોવાનું જાણવા મળ્યું છે. ઉપલબ્ધ આંકડા અનુસાર હથિયારનું લાયસન્સ મેળવવામાં દાહોદ બાદ વડોદરા શહેર મોખરે છે. સૂત્રોની માનીએ તો જેમ જેમ રહીશો વધી રહ્યાં છે, તેમ દર વર્ષે હથિયાર રાખનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

રિવોલ્વર રાખનારો વર્ગ અલગ છે. જેમાં મોટાપાયે પૈસાની હેરાફેરી કરનારા, બિઝનેસમેન અને વગદાર વ્યકિતઓ સ્વરક્ષણ માટે હથિયાર રાખતાં હોય છે. તો કેટલાક સ્ટેટસ જાળવવા અથવા સોટ્ટા પાડવા માટે પણ રિવોલ્વર રાખતા હોય છે. વર્ષો પહેલા રિવોલ્વરનું લાયસન્સ મેળવવું ઘણું કઠિન હતું. ચોક્કસ વ્યકિતઓને જ લાયન્સ આપવામાં આવતું હતું.

જોકે, અત્યારે યેનકેન પ્રકારે તેમજ વિવિધ બહાના હેઠળ રિવોલ્વરનો પરવાનો મેળવી લેવાય છે. લાયસન્સ મળ્યાં બાદ પોલીસની જેમ કમરમાં રિવોલ્વર ભરાવી ફરી શકાતું નથી, તેમ છતાં કેટલાક લોકો તેમની પાસે રિવોલ્વર છે, તેવું બતાવવા કમરમાં લકટાવીને સોટ્ટા પાડતાં હોય છે. અહીં વડોદરા શહેરની વાત કરીએ તો ૧,૯૫૬ લોકો પોતાના રક્ષણ માટેે રિવોલ્વર રાખવાનું લાયસન્સ ધરાવે છે. તેની સામે દાહોદ જિલ્લામાં સ્વ રક્ષણ માટે ૧,૬૦૦ તેમજ પાકને બચાવવા ૫ હજાર લોકોએ હથિયાર રાખવાનું લાયસન્સ મેળવ્યું છે. જયારે ભરૂચ જિલ્લામાં ૧,૨૨૫ વ્યકિતઓએ સ્વ બચાવ અને ૩૭૫ જણાંએ પાકના રક્ષણ માટે પરવાનો મેળવ્યો છે. તેમજ વડોદરા જિલ્લામાં હથિયાર ધારકોની સંખ્યા ૬૦૨ છે, તો નર્મદા જિલ્લામાં સ્વ અને પાક રક્ષણ માટે હથિયાર રાખનારાની સંખ્યા અનુક્રમે ૨૫૨ અને ૧૪૮ છે. વડોદરા જિલ્લામાંથી છુટા પડેલા છોટાઉદેપુરને ધ્યાનમાં લઈએ તો ૧૮૦૦ લોકોએ પાક બચાવવા અને સ્વ રક્ષણ માટે ૨૦૦ વ્યકિતઓએ લાયસન્સ મેળવ્યાં છે. જયારે મહિસાગર જિલ્લામાં પણ ૬૩ લોકો પાસે હથિયાર રાખવાનો પરવાનો છે.

દેશમાં સૌથી વધુ લાયન્સધારકો ઉત્ત્।રપ્રદેશમાં છે. જયાંં વર્ષ ૨૦૧૭ સુધીમાં ૧૩ લાખ લોકો પાસે રિવોલ્વરનું લાયસન્સ હતુંુ. ત્યારબાદ જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ અને મધ્યપ્રદેશનો નંબર આવે છે.

ચેઈન સ્નેચીગ સ્કવોડમાં ફરજ બજાવતાં પીએસઆઇ સંજયસિંહ જાડેજાએ બે મહિના પૂર્વે પ્રતાપગંજ પોલીસ ચોકીમાં જ તેમની ર્સિવસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. જાડેજાએ કયાં કારણોસર આપઘાત કર્યો હતો? તેનું રહસ્ય તેમના મોત સાથે દફન થઈ ગયું છે. કહેવાય છે કે, ગૃહ વિભાગના અધિકારીનો સ્વાંગ રચી જેલમાં જયેશ પટેલને મળવા ગયેલા ગઠિયાની તપાસ સ્વ. જાડેજાને સોંપાઈ હતી. તેેને લઈ તેઓ માનસિક ટેન્શનમા હતા. આ ઉપરાંત તાજેતરમાં ઓપી રોડ પર મોબાઈલ ફોનની દુકાનના સંચાલકે હવામાં બે રાઉન્ડ ફાયર કર્યું હતું.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વખતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા હથિયારો જમા લેવાય છે. ચૂંટણી બાદ માલિકને પરત કરવામાં આવે છે. નોંધનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ખાસ કરીને દાહોદ અને પંચમહાલમાં ફાયરીંગની ઘટના વધારે બને છે. જેમાં લાયસન્સની સાથે ગેરકાયદે હથિયારોનો ઉપયોગ થાય છે. (૨૧.૪)

(10:11 am IST)