Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

દેશમાં 7000 ટન ડુંગળીની આયાત : હવે ભૂટાનથી 30 હજાર ટન બટેટા મંગાવાશે

દિવાળી સુધી દેશમાં 32 હજાર ટન ડુંગળીની આયાત પુરી થઇ જશે. : પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ દેશમાં બટાકા અને ડુંગળીના આસમાને પહોંચલા ભાવને અંકુશમાં રાખવા માટે સરકાર માટે હવે વિદેશમાંથી નિકાસ જ એક માત્ર વિકલ્પ બચ્યો છે.સરકાર બંને કૃષિ પાકોની જંગી આયાત કરી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 7000 ટન ડુંગળીની આયાત થઇ ચૂકી છે અને હવે સરકાર પડોશી દેશ ભૂટાનમાંથી 30,000 ટન બટાકાની આયાત ટૂંક સમયમાં કરશે.

દેશના ગ્રાહક બાબતોના મંત્રી પીયુષ ગોયલે કહ્યુ કે, સરકાર ડુંગળી-બટાકાના ભાવને અંકુશમાં રાખવા માટે પ્રયત્નશીલ છે અને ભાવ ઉપર સતત નજર રાખી રહી છે. દેશમાં અત્યાર સુધી 7000 ટન ડુંગળીની આત થઇ ચૂકી છે. ઉપરાંત દિવાળી સુધી દેશમાં 32 હજાર ટન ડુંગળીની આયાત પુરી થઇ જશે. સરકાર હવે સ્થાનિક બજારમાં બટાકાના ભાવને અંકુશમાં રાખવા માટે ભૂટાનથી 30 હજાર ટન બટાકાની આયાત કરશે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે લીધેલા પગલાઓથી છેલ્લા એક સપ્તાહથી ડુંગળીના ભાવ સ્થિર છે. હાલ ડુંગળીનો સરેરાશ છુટક ભાવ પ્રતિ કિગ્રા દીઠ રૂ.65ની આસપાસ રહ્યો છે. 21 ઓક્ટોબરથી ડુંગળીની આયાતના નિયમોને પણ હળવા કર્યા છે. અત્યાર સુધી 7000 મેટ્રિક ટન ડુંગળીની આયાત થઇ ચૂકી છે. દિવાળીની પહેલા જ દેશમાં વધુ 25,000 ટન ડુંગળીની આયાત થઇ જશે.

ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, સ્ટોક લિમિટ લાદ્યા બાદ, ગઇકાલે તાત્કાલિક ધોરણે ડુંગળીના બિયારણની નિકાસ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.

ડુંગળી બાદ બટાકાના ભાવ પણ પાછલા દિવસોમાં આકાશને આંબી ગયા છે. બટાકાના ભાવ પ્રતિ કિગ્રા દીઠ રૂ.60ના સ્તરે પહોંચી ગયા હતા. બટાકાની આયાતના નિયમોને હળવા કરવામાં આવ્યા છે.

(8:51 pm IST)