Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ઠંડીમાં પણ લડાખ છોડવા તૈયાર નથી ચીન

કપટી ચીને પોતાના સૈનિકોને આપ્યા અદ્યતન ઉપકરણો

બૈજીંગ,તા. ૩૦: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તંગદિલી આગામી શિયાળાની ઋતુમાં પણ ઘટવાના અણસાર નથી દેખાતા. ચીનના સંરક્ષણ મંત્રાલયે ગઇ કાલે કહ્યું કે તેણે પોતાના જવાનોને લદ્દાખની ભયંકર ઠંડી સામે લડવા માટે આધુનિક ઉપકરણ ઉપલબ્ધ કરાવ્યા છે. ચીની સંરક્ષણ સેનાને આ વિસ્તારમાં માઇનસ ૪૦ ડિગ્રી તાપમાન પહોંચે તો પણ પાછી નહીં હટાવે.

ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા સીનીયર કર્નેલ વુ કવાને ઓનલાઇન બ્રીફીંગમાં કહ્યું કે રહેઠાણ માટે જવાનોને નવી ડીસ્માઉન્ટેબલ ઇન્સ્યુલેટેડ સેલ્ફ એનર્જાઇઝડ કેબીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેને તેઓ જાતે સ્થાપિત કરી શકે છે. કવાનનો દાવો છે કે પાંચ હજાર મીટરની ઉંચાઇ પર માઇનસ ૪૦ ડિગ્રી ઉષ્ણાતામાનવાળા વિસ્તારોમાં આ આધુનિક કેબીનની અંદરુનં તાપમાન વધુમાં વધુ ૧૫ ડિગ્રી જાળવી શકાય છે. કવાને કહ્યું કે આ કેબીન ઉપરાંત જવાનોને અલગ અલગ સ્લીપીંગ બેગ, ડાઉન ટ્રેનીંગ કોટ અને કોલ્ડ પ્રુટ બુટ પણ ઉપલબ્ધ કરાવાયા છે. આ બધાની ખાસીયત ઠંડી રોકવાની અને અંદરની ગરમી જાળવી રાખવાની છે. સાથે જ એ પોર્ટેબલ અને અત્યંત આરામદાયક છે. તેમને ખાસ રીતે ઉંચા અને ઠંડા પહાડી વિસ્તારો માટે જ ડીઝાઇન કરાયા છે.

કવાને દાવો કર્યો કે ચીની સેનાને ભોજન ગરમ રાખવા માટે પણ થર્મલ ઇન્સ્યુલેશન ઉપકરણ આપવામાં આવ્યા છે. સાથે જ ઉંચા પહાડી ક્ષેત્રો માટે આઉટડોર રાખવા લાયક તાત્કાલીક તૈયાર થઇ જતા ભોજનનું પરિક્ષણ કરાઇ રહ્યું છે. કવાનનો દાવો છે કે ચીની સેના અગ્રિમ ચોકીઓ પર તહેનાત પોતાના જવાનોને ડ્રોન વિમાનો દ્વારા તાજા ફળ અને શાકભાજી પણ ઉપલબ્ધ કરાવશે.

(11:26 am IST)