Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કોવિડ ફ્રી બન્યા

તાઇવાને એવું તે શું કર્યુ કે છેલ્લા ૨૦૦ દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો

નવી દિલ્હી,તા.૩૦ : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે તેવામાં તાઈવાન આ રોગચાળા સામે વિજય મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. તાઈવાનમાં છેલ્લા ૨૦૦ દિવસમાં કોવિડ-૧૯ના ડોમેસ્ટિકલી ટ્રાન્સમિટેડ એક પણ કેસ નોંધાયો નથી. તાઈવાનના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલમાં છેલ્લે ૧૨ એપ્રિલે ડોમેસ્ટિક કેસ નોંધાયો હતો. સીડીસી દ્વારા આને મોટી સિદ્ઘિ ગણવામાં આવી છે અને તેમણે આ સફળતામાં મહત્વનું યોગદાન આપનારા દેશવાસીઓનો આભાર માન્યો છે. જોકે, તેમણે લોકોને માસ્ક પહેરી રાખવા અને વારંવાર હાથ ધોતા રહેવાની અપીલ કરી છે.

કોવિડ-૧૯ની શરૂઆત થઈ ત્યારથી તાઈવાનમાં ૫૫૩ કેસ નોંધાયા છે જયારે ફકત સાત લોકોના જ મૃત્યુ થયા છે. હાલમાં દેશમાં ડોમેસ્ટિક ટ્રાન્સમિશન અટકી ગયું છે પરંતુ વિદેશથી આવતા નવા લોકોમાં કેસ નોંધાઈ રહ્યા છે. તાઈવાને જણાવ્યું છે કે કેવી રીતે તેણે કોરોનાનો સામનો કર્યો છે. તાઈવાનનું કહેવું છે કે તેણે કોરોના વાયરસના ઉદ્દભવ સ્થાન ચીન સાથેના બિઝનેસ અને ટૂરિઝમ સંબંધો બંધ કરી દીધા હતા.

જોકે, ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું તાઈવાન ખરેખર કોરોના મુકત થઈ ગયું છે? લોકલ મીડિયા તાઈવાન છોડ્યા બાદ કોરોના પોઝિટિવ આવે છે તેના પર નજર રાખી રહ્યા છે. સત્તાવાળાઓએ બુધવારે જણાવ્યું હતું કે, તેમને જાપાન અને થાઈલેન્ડના સ્વાસ્થ્ય સત્તાવાળાઓ તરફથી નોટિસ મળી છે કે તાજેતરમાં જ તાઈવાન છોડનારા ત્રણ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તાઈવાન વિશ્વની નજરમાં સફળ છે કેમ કે વિશ્વભરમાં ૪૪ મિલિયન કોરોનાના કેસ નોંધાયા છે અને ૧.૧ મિલિયન કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે તાઈવાનમાં આ આંકડો ઘણો નાનો છે.

તાઈવાનના અધિકારીઓનું કહેવું છે કે મેડિકલ જર્નલ જામામાં સંશોધકોએ લખ્યું છે તે પ્રમાણે ૩૧ ડિસેમ્બરે જ તાવા અને ન્યૂમોનિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેમણે વુહાનથી ફ્લાઈટ્સમાં આવનારા મુસાફરોનું ચેકિંગ કર્યું હતું. નોંધનીય છે કે ચીનના વુહાન શહેરમાંથી જ કોરોના વાયરસનો ઉદ્દભવ થયો છે. ૨૦ જાન્યુઆરીએ સરકારે સેન્ટ્રલ એપિડેમિક કમાન્ડ સેન્ટરની શરૂઆત કરી હતી જે વિવિધ વિભાગો અને બ્રાન્ચો તથા સરકાર વચ્ચે કોર્ડિનેશન કરે છે.

સરકારે કોરોના સામે લડત આપવા માટે માસ્ક પહેરવું કેટલું જરૂરી છે તે અસરકારક રીતે સમજાવ્યું હતું. આ ઉપરાંત તાઈવાને તેની સરહદો પણ ઝડપથી બંધ કરી દીધી હતી. આ ઉપરાંત ૨૩ જાન્યુઆરીથી વુહાનથી આવનારી ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી અને વુહાનના રહેવાસીઓ હોય તેવા ચીનના નાગરિકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. તાઈવાને વિદેશથી આવતા લોકો માટે ૧૪ દિવસનો કવોરેન્ટીન ફરજીયાત બનાવ્યો હતો. ભલે તે વિદેશી નાગરિક હોય કે પછી તાઈવાનનો તમામે ફરજિયાત પણે કવોરેન્ટીનમાં રહેવું પડતું હતું.

(10:08 am IST)