Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

12મી ડિસેમ્બરે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી યોજાશે : 13મીએ પરિણામ :1923 બાદ ડિસેમ્બરમાં ચૂંટણી

બ્રિટનમાં બ્રેક્સિટના મૂંઝવણની વચ્ચે હવે 12 ડિસેમ્બરના રોજ ચૂંટણીઓ યોજાશે. બ્રિટનના સાંસદોએ 12 ડિસેમ્બરના રોજ સામાન્ય ચૂંટણી કરાવવાના પક્ષમાં મતદાન કર્યું છે.

બ્રિટનની સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઑફ કૉમન્સ'માં 12 ડિસેમ્બરે ચૂંટણી યોજવા મામલે મતદાન કર્યું હતું. જેમાં 438 સાંસદોએ ચૂંટણી યોજવાના પક્ષમાં મતદાન કર્યું અને વિરોધમાં 20 સાંસદોએ મતદાન કર્યું હતું.

બ્રિટનમાં હવે 12 ડિસેમ્બરના રોજ ચૂંટણીઓ થશે અને 13 ડિસેમ્બરના રોજ તેનું પરિણામ આવશે.

આવી રીતે 418 મતોના બહુમત સાથે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સનની 12 ડિસેમ્બરના રોજ ચૂંટણી કરાવવાની યોજના સફળ થઈ ગઈ.છે  આ સાથે જ છેલ્લાં પાંચ વર્ષોમાં બ્રિટનમાં આ પાંચમી ચૂંટણી હશે.

જોન્સનને આશા છે કે આ ચૂંટણીઓ બાદ તેમને બ્રેક્સિટ ડીલ કરવામાં સરળતા રહેશે અને ચૂંટણીનું પરિણામ તેમને સંસદમાં ચાલી રહેલી મડાગાંઠ ઉકેલવામાં મદદ કરશે.

નવી સમયસીમા મુજબ યુકેએ 31 જાન્યુઆરી સુધીમાં યુરોપિયન યુનિયનથી અલગ થવાનું છે. બ્રિટનમાં 1923 બાદ પ્રથમ વખત ડિસેમ્બર મહિનામાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કૉર્બિન કહ્યું કે હું સતત કહેતો આવ્યો છું કે અમે ચૂંટણી માટે તૈયાર જ છીએ.આ પહેલાં સાંસદોએ ત્રણ વાર પ્રસ્તાવનો વિરોધ કરીને તેને આગળ વધતો અટકાવી દીધો હતો.

(11:42 am IST)