Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ભારતની રાજકોષીય ખાધ પાંચ જ મહિનામાં બજેટ લક્ષ્‍‍યાંકના 109 ટકાએ પહોંચી : નાણાં ભીડના સંકેત

રાજકોષીય ખાધ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન રૂ. 8.7 લાખ કરોડ નોંધાઇ

નવી દિલ્હીઃ ભારત સરકાર સામે નાણાંકીય તરલતાની મોટી સમસ્યા સર્જાઇ રહી છે આજે બુધવારે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશની રાજકોથીય ખાધ ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ સુધીના પાંચ મહિનામાં કુલ બજેટ લક્ષ્‍યાંકના 109 ટકાએ પહોંચી ગઇ છે. જે ગંભીર નાણાં ભીડના સંકેત આપે છે.જો રકમમાં વાત કરીયે તો ભારતની રાજકોષીય ખાધ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન રૂ. 8.7 લાખ કરોડ નોંધાઇ છે જે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના કુલ બજેટ લક્ષ્‍યાંકના 109 ટકા બરાબર છે.

આજે જાહેર કરાયેલા આંકડા મુજબ સમિક્ષાધીન સમયગાળામાં સરકારને કરવેરા પેટે રૂ. 2.84 લાખ કરોડની આવક થઇ છે જેની સામે ખર્ચ જંગી રૂ. 12.5 લાખ કરોડ નોંધાયો છે. કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે સરકારને કરવેરા પેટે થતી આવકમાં મસમોટું ગાબડું પડ્યુ છે.

એપ્રિલથી શરૂ થયેલા નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતની રાજકોષીય ખાધ દેશની કુલ જીડીપીના 8 ટકા રહેવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે સરકારે બજેટમાં દેશની કુલ જીડીપીના 3.5 ટકા રાજકોષીય ખાધનો લક્ષ્‍યાંક નિર્ધારિત કર્યો છે.

(7:49 pm IST)