Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ઓક્ટોબર મહિનામાં દેશમાં ૧૫ દિવસ બેંકોમાં રજા રહેશે

રજાઓને લીધે બેન્કિંગ કામ યોગ્ય સમયે નિપટાવી લેવા : દેશના કેટલાક ભાગમાં પ્રાદેશિક તહેવારોને અનુલક્ષીને બેંકોનું કામ બંધ રહેશે : ઓનલાઈન બેન્કિંગથી રાહત

નવી દિલ્હી, તા. ૩૦ : ઓક્ટોબરમાં તહેવારોની શરૂઆત થશે. દુર્ગાપૂજા, નવરાત્રી જેવા મોટા ઉત્સવો આવી રહ્યા છે. બેંકોમાં પણ રજા રહેશે. જેઓએ ઓક્ટોબરમાં બેંકની શાખામાં જઈને કોઈ કામ કરાવવું હોય, તો પહેલા બેંકોની રજાઓ વિશે જાણી લેવું જરૂરી છે. બેંકોમાં ઓક્ટોબર મહિનામાં લાંબી રજાઓ હોય છે. શનિવાર અને રવિવાર સાથે બેંકો ઓક્ટોબરમાં કુલ ૧૫ દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં, બેંકોની રજાઓ વિશેની માહિતીને ધ્યાનમાં રાખીને, તમારે ઝડપથી બેંક સાથે સંબંધિત વ્યવહાર કરવા જરુરી છે જેથી તહેવાર દરમિયાન તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ઓક્ટોબર મહિનામાં બેંકોની લાંબી રજા હોય છે. જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલી રજાઓ, તેમજ શનિવાર અને રવિવારની રજા ગણવામાં આવે તો, બેંકો આવતા મહિને ૧૫ દિવસ કામ કરશે નહીં. બેંકોની રજા ૨ ઓક્ટોબરથી શરૂ થશે. ૨ ઓક્ટોબર (શુક્રવાર) ના રોજ ગાંધી જયંતિની રાષ્ટ્રીય રજાના કારણે તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે. જાણો બેંકો ક્યારે બંધ રહેશે, બેંકોની રજાઓ વિશે વાત કરીએ, તો ઓક્ટોબરમાં, ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી નિમિત્તે બેંકોમાં રજા રહેશે. ૦૪ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ રવિવારની રજા રહેશે. આ પછી, ૦૮ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ચેહલમ પ્રસંગે બેંકોમાં રજા રહેશે. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ, સપ્તાહના બીજા શનિવારને કારણે બેંકોમાં રજા રહેશે.

             આ સિવાય ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ રવિવારની રજા રહેશે. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦ ને શનિવારે કટી બિહુ, મેરા ચૌરનની રજા રહેશે. આ દિવસે આસામ અને ઇમ્ફાલની બેંકો બંધ રહેશે. બેંકો સતત ૪ દિવસ બંધ રહેશે, જ્યારે રવિવાર, ૧૮ ઓક્ટોબર, ૨૦૨૦, રવિવારની રજા રહેશે, અને ૨૩ ઓક્ટોબર, ૨૦૨૦, શુક્રવારે દુર્ગા મહાસપ્તમીની રજા રહેશે. ૨૪ ઓક્ટોબરે મહાષ્ટમીને રજા આપવામાં આવશે, ત્યારબાદ ૨૫ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ રવિવારની રજા રહેશે. આ સિવાય ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ વિજયાદશમી નિમિત્તે બેંકો બંધ રહેશે. આ દિવસે ત્રિપુરા, કર્ણાટક, ઓરિસ્સા, તમિલનાડુ, સિક્કિમ, આસામ, જમ્મુ, કોચી, પશ્ચિમ બંગાળ, બિહાર, કાશ્મીર અને કેરળની બેંકો બંધ રહેશે. એટલે કે ૨૩ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી બેંકો સતત બંધ રહેશે. આ સિવાય ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ મોહમ્મદ પયગંબરની જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે. સિક્કિમ,જમ્મુ, કોચી, કાશ્મીર અને કેરળમાં આ દિવસોમાં બેંકોની રજા રહેશે.

ઇદ-એ-મિલાદ ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ હશે. ત્રિપુરા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તામિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, ઇમ્ફાલ, જમ્મુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ અને કાશ્મીરમાં બેંકો બંધ રહેશે. ૩૧ ઓક્ટોબરે મહર્ષિ વાલ્મીકી અને સરદાર પટેલની જન્મજયંતિ / કુમાર પૂર્ણિમા બદલ રજા રહેશે. આ દિવસે ગુજરાત, કર્ણાટક, ઓરિસ્સા અને સિમલામાં બેંકોમાં કોઈ કામ થશે નહીં.

(7:26 pm IST)