Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બાબરીનો ચુકાદો આપ્યા બાદ જજ થયા રીટાયર

લખનઉ તા. ૩૦ : લખનઉની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય બાબરી મસ્જિદ ધ્વંસ કેસ સાથે જોડાયેલો છે. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. જે બાદ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિતનાં ૩૨ નેતાઓ આરોપીઓ હતા. પણ સીબીઆઈ કોર્ટના જજ સુરેન્દ્રકુમાર યાદવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. અને આ સાથે જ જજ હવે રિટાયર થઈ જશે.

આ કેસમાં ૩૨ આરોપીઓને કલંકમુકત જાહેર કરતાંની સાથે જ સુરેન્દ્રકુમાર યાદવ પોતાના કાર્યકાળથી પણ મુકત થઈ ગયા છે. આજે એટલે કે ૩૦ સપ્ટેમ્બરે જ સુરેન્દ્રકુમાર યાદવનો રિટાયરમેન્ટ દિવસ છે. તેઓની પાસે સાંજના ૫ વાગ્યા સુધીનો સમય છે. આમ તો, એસકે યાદવનો કાર્યકાળ એક વર્ષ પહેલાં જ પુર્ણ થઈ ગયો હતો. પણ સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસ કેસની સુનાવણી પૂરી કરવા અને તેના પર નિર્ણય સંભળાવવા માટે તેઓને એક વર્ષનું એકસટેન્શન આપ્યું હતું. તેઓની રિટાયરમેન્ટ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ હતી.

ખાસ વાત તો એ છે કે, સુરેન્દ્રકુમાર યાદવનું અયોધ્યા કનેકશન ખુબ જ જૂનું છે. તેઓની પહેલી તહેનાતી અયોધ્યામાં જ થઈ હતી. સાથે જ તેઓનો જન્મ પણ જોનપુર જિલ્લામાં થયો હતો. બાબરી ધ્વંસ ૧૯૯૨માં થઈ હતી. તેના બે વર્ષ પહેલાં એટલે કે ૮ જૂન ૧૯૯૦ના રોજ સુરેન્દ્ર કુમાર યાદવે પોતાની ન્યાયિક સેવા શરૂ કરી હતી. સુરેન્દ્રકુમાર યાદવની પહેલી નિયુકિત અયોધ્યામાં થઈ હતી અને ૧૯૯૩ સુધી તે અહીં રહ્યા હતા. જયારે બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારે પણ એસકે યાદવનું પોસ્ટિંગ પણ અયોધ્યામાં જ હતું. અને આજે તેઓએ સીબીઆઈના સ્પેશિયલ જજ તરીકે નિર્ણય સંભળાવ્યો છે.

(3:01 pm IST)