Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કાશ્મીરમાં નવ મહિનામાં ૧૮૫ ત્રાસવાદી ઠાર મરાયા અને નવા ૧૩૦ ત્રાસવાદી બન્યા

આતંકવાદના રસ્તે જનારા યુવકો માટે લશ્કરી દળ દ્વારા 'ઓપરેશન મા'ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે

જમ્મુ,તા. ૩૦: ગત પાંચમી ઓગસ્ટે કલમ ૩૭૦ દૂર કરાયા બાદ એવો દાવો કરાયો હતો કે યુવાનો હવે ત્રાસવાદ તરફ નહીં વળે, પરંતુ આવા દાવાઓ ખોટા ઠર્યા છે. યુવાનોમાં આતંકવાદીઓ બનવાનો સિલસિલો ખતમ થયો નથી.

સરકારી આંકડા અનુસાર ૨૦૧૯માં ૧૪૦ યુવકે ત્રાસવાદના માર્ગે જવાનું પસંદ કર્યું હતું જયારે ચાલુ વર્ષના નવ મહિનામાં કુલ ૧૩૦ યુવાન આતંકવાદી બન્યા છે જેમાંથી પંચાવન ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા હતા તથા ૨૯ આતંકવાદીને પકડવામાં આવ્યા હોવાનો દાવો પણ કરાઇ રહ્યો છે. ૪૬ જણની શોધ પણ ચાલી રહી છે. જીવિત પકડાઇ ગયેલા ત્રાસવાદીઓમાં સ્થાનિક યુવકોનો સમાવેશ થાય છે. આતંકવાદના રસ્તે જનારા યુવકો માટે લશ્કરી દળ દ્વારા 'ઓપરેશન મા'ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે જેના હેઠળ ત્રાસવાદના પથ પર આગળ વધતા યુવાનોને તેમના પરિવારની સામે લાવીને તેમને શસ્ત્રો પડતા મૂકવા માટે મનાવવામાં આવે છે.આ ઝુંબેશનો પ્રતિસાદ તો સારો મળ્યો નથી, પરંતુ તેમની માતાઓનો પ્રભાવ તેમના પર વધુ જોવા મળ્યો હતો. ગયા વર્ષે ૭૦થી વધુ યુવક પાછા દ્યરે ફર્યા હતા જેઓ ત્રાસવાદી જૂથ સાથે મળી ગયા હતા અને ત્રણ-ચાર દિવસમાં જ તેમનું મન બદલાઇ ગયું હતું.આશ્ચર્યજનક બાબત છે કે ૨૦૧૮માં ઠાર મારવામાં આવેલા ૨૪૬ ત્રાસવાદીમાંથી ૧૬૦ સ્થાનિક યુવકો હતા અને ૨૦૧૯માં માર્યા ગયેલા ૧૫૨ ત્રાસવાદીમાં બે તૃતિયાંશ સ્થાનિક હતા. ૨૦૧૬ની આઠમી જુલાઇએ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાની વાનીના મોત બાદ કાશ્મીરી યુવાનો ત્રાસવાદ તરફ ઝડપથી વળ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. બુરહાનીના મોત બાદ અંદાજે ૫૦૦ યુવાન આતંકવાદી બન્યા હતા.

બીજી તરફ એવી ફરિયાદ પણ કરાઇ રહી છે કે લશ્કરી દળની સતામણીને કારણે જ યુવાનો ત્રાસવાદી તરફ વળી રહ્યા છે.

(2:51 pm IST)