Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બાબરી કેસના ચુકાદા બાદ અડવાણીના ઘરે પહોંચ્યા વરિષ્ઠ નેતાઓ : શાહથી લઇને પાટીલ દરેકે આપ્યા વધામણા

વધામણા આપવા ભાજપ નેતાઓમાં હોડ : રાજનાથસિંહે ખુશી વ્યકત કરી

લખનૌ તા. ૩૦ : બાબરી વિધ્વંસ કેસ મામલે લખનૌની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ચૂકાદો આપ્યો છે. બાબરી ધ્વંસ મામલે CBIની વિશેષ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે થયેલી ઘટનાને કોર્ટે પૂર્વનિયોજીત ન હોવાનું જણાવ્યું છે.

બાબરી વિધ્વંસ કેસમાં ભાજપના વયોવૃદ્ઘ નેતા લાલકૃષ્ણ અડવાણી સહીતનાં ૩૨ આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. એવામાં ભાજપના નેતા ઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને વધામણા આપ્યા. કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ તુરત જ અડવાણીના ઘરે પહોંચી ગયા.ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલે પણ કહ્યું કે 'ફરી એકવાર સત્યનો વિજય થયો, જય શ્રી રામ.'

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ ચુકાદા પર નિવેદન આપતા કહ્યું કે વિશેષ અદાલત દ્વારા બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં અડવાણી, કલ્યાણ સિંહ, ડો.મુરલી મનોહર જોશી અને ઉમાજી સહીતના ૩૨ આરોપીઓના ષડ્યંત્રમાં સામેલ ન હોવાના ચુકાદાનું સ્વાગત કરું છું. આ નિર્ણયથી સાબિત થયું કે ભલે મોડા પણ ન્યાયની જીત થઇ.

(3:01 pm IST)