Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત : આ વર્ષે સામાન્યથી ૯ ટકા વધુ વરસાદ પડયો

ત્રણ-ચાર દિ'માં દેશના ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે, જો કે ગુજરાતના અમુક ભાગો, મહારાષ્ટ્ર, એમ.પી., ઓડિસામાં વરસાદની સંભાવના : સ્કાયમેટ

નવી દિલ્હી તા. ૩૦ : આગામી ત્રણ-ચાર દિવસમાં દેશના ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે. આ વર્ષે સામાન્યથી ૯ ટકા વધુ વરસાદ પડયો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાએ જમાવટ કરી હતી. ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ગુજરાતના અમુક ભાગો, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિસામાં વરસાદની શકયતા હોવાનું વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

આજે ૩૦ સપ્ટેમ્બર એટલે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સિઝનનો અંતિમ દિવસ ૧ જુનથી ૭૦ સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝન સત્તાવાર રીતે ગણવામાં આવે છે ત્યારબાદ પડતા વરસાદને પોસ્ટ મોન્સુન વરસાદ કહેવામાં આવે છે. ગઇકાલ સુધીમાં દેશભરમાં સામાન્યથી ૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે. સતત બીજા વર્ષે ચોમાસાની સિઝન સારી ગઇ છે.

પશ્ચિમી રાજસ્થાન અને પંજાબમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસુ દેશના ઘણા ભાગોમાંથી વિદાય લેશે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં ચોમાસાની વિદાયની રેખામાંથી કોઇ પ્રગતિ થઇ નથી.

ચોમાસાની વિદાયની છેલ્લા પાંચ વર્ષમાં નજર નાખીએ તો ૨૦૧૫માં ૪ સપ્ટેમ્બર, ૨૦૧૬માં ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૭માં ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૮માં ૨૯ સપ્ટેમ્બર અને ૨૦૧૯માં ૯ ઓકટોબરના રોજ વિદાય લીધી હતી.

પૂર્વોત્તર ભારત અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ્સ અને કર્ણાટક બાજુથી એક ટ્રફ જેવી સિસ્ટમ્સની અસરથી કર્ણાટક, મીઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ સુધી તેમજ બંગાળ અને ઓડિસામાં પણ ૨૪ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.

જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાતના અમુક ભાગો, મધ્યપ્રદેશ અને ઓડિસાના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે.

(12:34 pm IST)