Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અયોધ્યા કેસ : મધ્યસ્થતાની રામલલ્લા વિરાજમાનની ના

સંવેદનશીલ કેસમાં ૩૪માં દિવસે સુનાવણી : વર્ષ ૧૯૮૫ના કેસ અને હાલના કેસમાં કોઇ અંતર નથી દાવાની હદ વધારવામાં આવી છે : મુસ્લિમ પક્ષની દલીલો

નવીદિલ્હી,તા.૩૦ : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની ચાલી રહેલી સુનાવણીમાં આજે એક નવો વળાંક આવ્યો હતો. સોમવારના દિવસે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષે સ્પષ્ટતા કરી હતી કે, તેમને મામલા પર કોઇ મધ્યસ્થા કરવાની નથી. સુનાવણી દરમિયાન તર્કદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટની બહાર કોઇ સમજૂતિ કરવાની તેની ઇચ્છા નથી તેવી રજૂઆત હિન્દુ પક્ષ તરફથી કરવામાં આવી હતી. સુનાવણીના ૩૪માં દિવસે સુપ્રીમ કોર્ટમાં રામલલ્લા વિરાજમાન તરફથી ઉપસ્થિત થયેલા વકીલના નિવેદન બાદ મધ્યસ્થના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. બીજી બાજુ મુસ્લિમ પક્ષકારના વકીલ શેખર નાફડે દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ૧૮૮૫ના કેસ અને હાલના કેસ એકસમાન છે. બંનેમાં માત્ર એટલો અંતર છે કે, ૧૮૮૫માં વિવાદાસ્પદ સ્થળના એક જગ્યા પર દાવો કરાયો હતો જ્યારે હવે સમગ્ર હિસ્સા પર દાવો કરાયો છે. હવે હિન્દુ પોતાના દાવાની હદની વધારીને આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે. નાફડેએ કહ્યું હતું કે, સિવિલ લો હેઠળ એજ વિવાદને હિન્દુ પક્ષકારો ફરીવાર ઉઠાવી શકે નહીં.

               મુસ્લિમ પક્ષકારના વકીલ શેખર નાફડે મામલામાં સુનાવણી દરમિયાન તર્કદાર દલીલો કરતા નજરે પડ્યા હતા. સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એસએ બોબડે દ્વારા પણ કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી. અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલા સુપ્રીમ કોર્ટે અગાઉ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ મામલામાં ૧૮મી ઓક્ટોબર બાદ પક્ષકારોને રજૂઆત કરવા માટે એક દિવસ પણ વધારાનો મળશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, સુનાવણી પૂર્ણ કરવા માટે મહેતલને વધારવામાં આવશે નહીં. હજુ સુધી ૩૪ દિવસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ ચુકી છે.  ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળા પાંચ જજની બંધારણીય બેંચે કહ્યું છે કે, જો ૧૮મી ઓક્ટોબર સુધી દલીલો પૂર્ણ થઇ જાય છે તો ચાર સપ્તાહમાં ચુકાદો આપવાની બાબત કોઇ કરિશ્માથી કમ રહેશે નહીં. ચીફ જસ્ટિસ ગોગોઈ ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે. કોર્ટના કહેવા મુજબ મોટાભાગની દલીલો ચોથી ઓક્ટોબર સુધી પૂર્ણ થઇ જશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં દશેરાની રજા આવી જશે. કોર્ટ ૧૪મી ઓક્ટોબરે ફરી ખુલશે. આ રીતે કોર્ટ માટે સુનાવણી માટે ૧૮મી ઓક્ટોબર સુધી બીજા પાંચ દિવસનો સમય રહેશે. સીજેઆઈ દ્વારા તમામ પક્ષોને પ્રશ્ન કર્યો છે કે હવે વધુ કેટલો સમય લાગનાર છે.

(8:03 pm IST)