Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

'બિહારથી ૫૦૦ની ટિકિટ કઢાવીને અહીં આવે છે અને ૫ લાખની સારવાર મફતમાં કરાવે છે'

અરવિંદ કેજરીવાલના નિવેદનથી હોબાળો

નવી દિલ્હી, તા.૩૦:  દેશની રાજધાની દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી આવનાર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારથી જ તેની તૈયારી કરી રહ્યાં છે. આ સંલગ્નમાં તેમણે બિહારીઓ વિશે આપેલું એક નિવેદન વિવાદમાં સપડાયું છે. તેમણે બિહારથી આવતા લોકોની મજાક ઉડાવી છે. કેજરીવાલે કહ્યું કે બિહારથી માણસ ૫૦૦ રૂપિયાની ટિકિટ લઈને દિલ્હી આવે છે અને ૫ લાખ રૂપિયાનું ઓપરેશન મફત કરાવીને દ્યરે પાછો જતો રહે છે. સીએમ કેજરીવાલે મંગોલપુરી વિસ્તારમાં સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલની આધારશિલા રાખવા માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે જનતાને સંબોધિત કરતી વખતે દિલ્હીમાં આપ સરકાર દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં થયેલા કામો અંગે જણાવી રહ્યાં હતાં. જો કે તેમના આ નિવેદનનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. બિહારના સીએમ નીતિશકુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડે પણ તેની આકરી ટીકા કરી છે. દિલ્હીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પૂછ્યું છે કે બિહારી લોકોના આવવાથી તેમનું (કેજરીવાલ) કાળજુ કેમ ફાટે છે?રવિવારે એક કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલ દિલ્હીની સ્વાસ્થ્ય સેવાઓનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં બહારથી પણ અનેક લોકો સારવાર માટે આવી રહ્યાં છે. બિહારથી એક માણસ ૫૦૦ રૂપિયાની ટિકિટ કઢાવીને દિલ્હી આવે છે અને ૫ લાખ રૂપિયાનું ઓપરેશન ફ્રીમાં કરાવી લે છે. તેનાથી ખુશી થાય છે પરંતુ દિલ્હીની પોતાની પણ કેપેસિટી છે. મારા ઉપર વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવે છે. હોસ્પિટલમાં મફત સારવાર અને દવાઓ ફ્રી કરી નાખી. હવે આ નિવેદન પર આકરી ટીકાઓ  થઈ રહી છે. કેજરીવાલના આ નિવેદન પર દિલ્હી  ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પલટવાર કર્યો. તેમણે કહ્યું કે એકવાર ફરી તેમણે ધૃણાનો ભાવ દર્શાવ્યો છે. જો બિહારનો વ્યકિત દિલ્હીમાં સારવાર કરાવી રહ્યો છે તો તેનાથી અરવિંદ કેજરીવાલનું કાળજુ કેમ ફાટે છે? ૫ લાખ રૂપિયાની ફ્રી  સારવારની વ્યવસ્થા અરવિંદ કેજરીવાલે તો કરી નથી, તે મોદીજીએ કરી છે જેને આપણે આયુષ્યમાન ભારત કહીએ છીએ.

(3:53 pm IST)