Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

એમેઝોને ૩૬ કલાકમાં રૂ.૭૫૦ કરોડના સ્માર્ટ ફોન વેચ્યા

ફિલપકાર્ટ દ્વારા પણ સ્માર્ટ ફોનનું ડબલ વેચાણઃ કુલ વેચાણ પાંચ અબજ ડોલર સુધીનું થઇ શકે છે

નવી દિલ્હી તા.૩૦: આર્થિક સુસ્તી અને માગના અભાવની ચર્ચા વચ્ચે ઓનલાઇન કંપનીઓ બમ્પર વેચાણ કરી રહી છે. ઓનલાઇન રિટેલ કંપનીઓ એમેઝોન અને ફિલપકાર્ટ દ્વારા ફેસ્ટિવલ સેલમાં સ્માર્ટ ફોનનું જબરદસ્ત વેચાણ થઇ રહ્યું છે. એમેઝોનનો દાવો છે કે શનિવારે શરૂ થયેલ ફેસ્ટિવ સેલ હેઠળ ૬ કલાકની અંદર રૂ.૭૫૦ કરોડના સ્માર્ટ ફોનનું વેચાણ થયું છે.

એજ રીતે ફિલપકાર્ટનું કહેવુ છે કે આ વર્ષે વેચાણના પ્રથમ દિવસે ગત સાલની તુલનાએ સ્માર્ટ ફોનનું સેલ બમણું થયું છે, જોકે બંને કંપનીઓએ કુલ વેચાણની જાણકારી હજુ આપી નથી. આ ફેસ્ટિવ સેલ ૪ ઓકટોબર સુધી ચાલુ રહેશે. આર્થિક ક્ષેત્રમાં મંદીના કારણે ડિમાન્ડ ઓછી છે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે તેમ છતાં બંને કંપનીઓ જબરદસ્ત વેચાણને લઇને પોઝિટિવ છે.

એક રિપોર્ટ અનુસાર આ ફેસ્ટિવલ સેલમાં ઇ-કોમર્સ કંપનીઓ પાંચ અબજ ડોલર સુધીનું વેચાણ કરી શકે છે. દિગ્ગજ ઇ-કોમર્સ કંપનીઓ ફિલપકાર્ટ અને એમેઝોન પર ૨૯ સપ્ટેમ્બરથી ૪ ઓકટોબર સુધી મહાસેલ છે. એમેઝોનના મહાસેલની શરૂઆત રવિવારથી થઇ હતી, જોકે પ્રાઇમ મેમ્બર્સ માટે તેની શરૂઆત એક દિવસ અગાઉ એટલે કે ૨૮ સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યાથી થઇ ગઇ હતી. ફિલપકાર્ટ પર પણ બિગ બિલિયન ડેઝમાં અનેક ઓફર્સ છે.

(3:53 pm IST)