Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પેટ્રોલ-ડિઝલના ભાવ અકલ્પનિય રૂપથી વધશે

ઇરાન સામે સમગ્ર વિશ્વ એક થાય

નવી દિલ્હી, તા.૩૦: સાઉદી અરેબિયાની ક્રુડ ઓઈલ કંપની અરામકોની બે રિફાઈનરીઓ પર તાજેતરમાં જ ડ્રોન અને મિસાઈલ હુમલા થયા હતાં. આ હુમલાની જવાબદારી યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી હતી, પરંતુ અમેરિકા અને સાઉદી અરબ બંને દેશો આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવીએ રહ્યાં છે. આ હુમલા બાદ સાઉદી અરબના પ્રિંગ્સ મોહમ્મદ બિન સલમાને આ મામલે પહેલીવાર જ કોઈ નિવેદન આપ્યું છે. સાઉદી પ્રિંસના આ નિવેદનમાં દુનિયાને ગર્ભિત રીતે ચેતવણી આપવામાં આવી છે.

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે, જો વિશ્વ ઈરાનને રોકવા માટે એક ન થયું તો ઓઈલના ભાવ અકલ્પનીય રૂપથી વધશે. સલમાને કહ્યું હતું કે, સમગ્ર વિશ્વએ ઈરાન પરની કાર્યવાહીમાં સામેલ થવું પડશે, નહિતર તમામના હિતોને નુકસાન થશે. ઈરાનના કારણે ક્રુડના સપ્લાઈને અસર થશે અને ક્રુડના ભાવ એટલા વધી જશે કે જેને આપણે જીવનમાં કયારેય જોયા નહિ હોય.

અમેરિકાની એક જાણીતી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સલમાન કહ્યું હતું કે, સાઉદી અરબના ક્રુડના પ્લાન્ટ્સ પર હુમલો કરીને ઈરાને યુદ્ઘની શરૂઆત કરી હતી. આમ છતા પણ ઈરાનની સાથે સાઉદી અરબ વિવાદ કરીને યુદ્ઘ કરવા માંગતું નથી પરંતુ રાજકીય સમાધાન ઈચ્છે, કારણ કે યુદ્ઘથી સમગ્ર વિશ્વની ઈકોનોમિ પર ખરાબ અસર પડશે. સલમાને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની સાથે મળીને નવી પરમાણુ સંધિ વિશે વાત કરવી જોઈએ. જેથી કરીને ઈરાનના પ્રભાવને મધ્યપૂર્વમાં સિમિત કરી શકાય.

પ્રિંસના જણાવ્યા પ્રમાણે આ એક નાપાક હરકત હતી. તેનો કોઈ જ રણનૈતિક ઉદ્દેશ્ય નહોતો. કોઈ મૂર્ખ જ હોઈ શકે કે જે દુનિયા આખીમાં ક્રુડ ઓઈલના ૫ ટકા હિસ્સો ધરાવતા સંયંત્ર પર હુમલો કરે. તેનો માત્ર એક જ ઉદ્દશ્ય હોઈ શકે છે કે તેઓ એ સાબિત કરવા માંગે છે કે તેઓ મૂર્ખ છે અને તેમણે આ હુમલા દ્વારા દુનિયા સમક્ષ સાબિત પણ કરી દીધું.

(3:52 pm IST)