Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ખેતીમાં નુકશાની ઉગીઃ મગફળી 'સડવા' લાગી, કપાસનો 'ફાલ' ખરવા લાગ્યો

સોળ આની વરસની ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યુઃ પાણી અને ગારાના કારણે ખેતરોમાં પગ મુકી શકાતો નથી

રાજકોટ, તા., ૩૦: રાજયમાં ઓગષ્ટ અને સપ્ટેમ્બરના સારા વરસાદે ખેતીમાં ૧૬ આની વરસની આશા જગાવેલ. સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, તલી વિગેરેનો પાક મબલખ પ્રમાણમાં થવાના શુભ સંકેત મળેલ. ખેડુતોને મગફળીની ઉપજ સામે જ દેખાતી હતી તેવા ટાણે છેલ્લા ૩-૪ દિવસમાં ખાબકેલા વરસાદે ભયંકર નુકશાન નોતરી દીધું છે. અનિચ્છનીય વરસાદથી ખેતરોમાં પાકને બદલે નુકશાની ઉગી નિકળી છે. નાની મોટી મગફળી સડવા લાગી છે. કપાસનો ફાલ ખરવા લાગ્યો છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે આ બંન્ને પાક ખેડુતોની સમૃધ્ધિ અને બજારની રોનક માટે મહત્વના છે. આ વખતે વરસાદ મોડો પણ સારો હોવાથી ખેડુતોને બંન્ને પાક પુષ્કળ પ્રમાણમાં પાકવાની આશા જાગેલી. મગફળી તો મહદ અંશે પાકી ગયેલ. નોરતામાં ખેતરોમાંથી મગફળી ઉપાડવાની થાય તે પહેલા વરસાદ આવી પડતા મગફળી સડવા લાગી છે. ઘણા ખેતરોમાં સતત પાણી અને ગારાના કારણે ખેડુતો ખેતરોમાં પગ મુકી શકતા નથી. મગફળી સમયસર ઉપાડવામાં ન આવે તો અંદર જ ઉગવા લાગે છે. અનેક ખેતરોમાં આ રીતે મગફળીમાં બગાડ શરૂ થઇ ગયો છે.

કપાસ સૌરાષ્ટ્રના ખેડુતો માટે અગત્યનો પાક છે. આ વખતે માંગ્યા મેઘ વરસવાથી દિવાળી પછી કપાસ મોટા પ્રમાણમાં બજારમાં આવે તેવી ધારણા હતી. છેલ્લા ૩-૪ દિવસના વરસાદથી કપાસનો ફાલ ખરવા લાગ્યો છે. બંધાયેલા જીંડવાને નુકશાન થઇ રહયું છે. રોગચાળાનો ભય પણ સર્જાયો છે. જો છેલ્લા ૪-પ દિવસનો વરસાદ ન આવ્યો હોત તો મગફળીથી બજારો ઉભરાઇ જાત અને કપાસનો પાક પણ સારો થાત. વરસાદના કારણે મગફળીના પાકને ૩૦ થી પ૦ ટકા નુકશાન થયાનો પ્રાથમીક અંદાજ છે. જો વરસાદ ચાલુ રહેશે તો નુકશાની વધશે શિયાળુ પાક પાણીના કારણે સારો થવાની આશા છે પરંતુ ખેડુતો માટે શિયાળુ પાક કરતા ચોમાસુ પાક અગત્યનો હોય છે.  મેઘરાજાએ ગણતરીના કલાકોમાં ખેતીનું ચિત્ર બદલી નાખ્યું છે. તલીના પાકમાં પણ ફુગ દેખાવા લાગી છે. પાછોતરા અણધાર્યા વધારે પડતા વરસાદે તમામ વાવેતરને ઓછા વતા અંશે  નુકશાન કર્યુ છે. ખેડુતો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહયા છે. સોળ આની વરસની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકાર નુકશાનીનું વળતર આપે તેવી માંગણી ઉઠી છે.

(3:48 pm IST)