Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

આસારામબાપુના આશ્રમમાં સેવા આપતી મહિલા પર બળાત્કારના આરોપસર યુવાનની ધરપકડ કરાઇ

આશ્રમમાંથી નીકળીને જતી હતી ત્યારે નરાધમે ખેંચી જઇને કુકર્મ આચરેલું: પીડિત મહિલાએ પ્રતિકારમાં યુવાનની છાતીમાં ભરેલા બચકાને આધારે ઝડપાયો

મુંબઇ તા. ૩૦ :.. ટીટવાલામાં આસારામ બાપુના આશ્રમમાં સેવા કરતી પ૦ વર્ષની મહિલા પર બળાત્કાર કરીને પલાયન થનારા ૩૦ વર્ષના યુવકની પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. મહિલા રાત્રે ૮ વાગ્યે મુરબાડ-કલ્યાણના  સૂમસામ રસ્તા પર એકલી પગપાળા જતી હતી ત્યારે  નરાધમ યુવાન તેને ખેંચીને ખેતરમાં ખેંચી તેના પર બળાત્કાર કરીને ભાગી ગયો હતો. થાણે ગ્રામીણ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમે ત્રણ મહિના તપાસ કરીને આરોપીને પકડયો હતો. મહિલાએ પ્રતિકારમાં યુવાનની છાતીમાં ભરેલા બચકાને આધારે પોલીસે એની પુણેથી ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ થાણેમાં કલ્યાણ તાલુકાના રાયતા ગામમાં માનીવલી રોડ પર આસારામ બાપુનો આશ્રમ છે. અહીં ઉલ્હાસનગરમાં રહેતી એક પ૦ વર્ષની મહિલા સેવા આપવા જાય છે. ર૩ જુનની રાત્રે આઠેક વાગ્યે આ મહિલા આશ્રમમાંથી નીકળીને પોતાના ઘર તરફ એકલી ચાલીને જઇ રહી હતી ત્યારે ઉલ્હાસનગર તરફ જઇ રહેલો એક ત્રીસેક વર્ષનો યુવાન તેનો હાથ પકડીને રસ્તા પરના ખેતરમાં ખેંચી ગયો હતો અને કુકર્મ આચર્યુ હતું.

નરાધમ યુવકના પાશવી બળાત્કારથી હેબતાઇ જવાની સાથે ઇજાઓ પહોંચતાં મહિલાને બાદમાં ઉલ્હાસનગરની હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. સારવાર બાદ તેણે કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડવા માટે વિવિધ ટીમ બનાવાઇ હતી. પીડિત મહિલાએ આપેલી માહિતીને આધારે સૂમસામ ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના સીસી ટીવી કેમેરાના ફુટેજ મેળવીને પોલીસે ૩૦ વર્ષના યુવાનની પુણેના આળેફાટા પાસેથી ધરપકડ કરી હતી. તેણે ગુનો કબૂલ કર્યો હોવાનું ટીટવાલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.

(11:47 am IST)