Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સરદાર મૈંને આપકા નમક ખાયા હૈ, ગલતી સે મિસ્ટેક હો ગઇ...

શોલેના 'કાલીયા'.... અભિનેતા વિજુ ખોટેનું ૭૮ વર્ષની વયે નિધનઃ ચાહકોમાં ઘેરો શોક

મરાઠી ફિલ્મોથી કારકિર્દી શરૂ કરી હતીઃ ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું: કેટલાક દિવસથી બિમાર હતાં

મુંબઇ તા. ૩૦: 'શોલે' એવી ફિલ્મ છે જેના દરેક પાત્રો સતત આ ફિલ્મના ચાહકોના દિલોદિમાગમાં વસેલા છે. આવું જ એક પાત્ર હતું કાલીયા...નામ સાંભળતા જ તમાકુ ચોળતો ખુંખાર ગબ્બરસિંહ (અમઝદ ખાન)નો ચહેરો સામે આવી જ જાય છે. કાલીયાનું પાત્ર દમદાર અભિનેતા વિજુ ખોટેએ ભજવ્યું હતું. આજે પણ તેઓ આ પાત્રને કારણે જાણીતા હતાં. ૧૭ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ મુંબઇમાં જન્મેલા આ કલાકારનું આજે ૭૮ વર્ષની ઉમરે મુંબઇમાં નિધન થઇ જતાં ચાહકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમણે મુંબઇ ગાવદેવી સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતાં.

શોલે ફિલ્મમાંં જે ડાયલોગના કારણે અમઝદખાન (ગબ્બરસિંહ) રાતોરાત પ્રસિધ્ધ થઇ ગયા હતાં એ  ડાયલોગ 'તેરા કયા હોગા કાલીયા?'ને કારણે જ વિજુ ખોટે ખુબ જાણીતા બન્યા હતાં. આ યાદગાર પાત્ર હવે અમર થઇ ગયું છે. ગબ્બરસિંહના સવાલ સામે 'સરદાર મૈંને આપ કા નમક ખાયા હૈ' કહેનાર વિજૂ ખોટેએ મરાઠી ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ૩૦૦થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.

અભિનેતાની તબિયત કેટલાક દિવસથી નાદુરસ્ત રહેતી હતી અને સારવાર ચાલી રહી હતી. સ્વ. વિજુ ખોટેને બોલીવૂડ અને મરાઠી ફિલ્મોના કલાકારો શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. આજે સાંજે મુંબઇમાં અંતિમ સંસ્કાર આપવામાં આવશે. વિજુ ખોટે શોલેના સરદાર મૈંને આપકા નમક ખાયા હૈ અને કોમેડી ફિલ્મ અંદાજ અપના અપનાના ડાયલોગ ગલતી સે મિસ્ટેક હો ગઇ...ને કારણે ખુબ જાણીતા હતાં. તેમણે અનેક ટીવી શો અને અને મરાઠી નાટકો પણ કર્યા હતાં. છેલ્લે ૨૦૧૮માં જાને કયું દે યારો ફિલ્મમાં જોવા મળ્યા હતાં. (૧૪.૮)

(11:33 am IST)