Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

છેલ્લા ૧૦૨ વર્ષમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ

જુન-સપ્ટેમ્બરના ગાળામાં દેશમાં સામાન્યથી ૯ ટકા વધુ વરસાદ નોંધાયોઃ: જો આજે પણ વરસાદ પડયો તો સપ્ટેમ્બર ૧૯૧૭ના ૨૮૫.૬ મીમીના રેકોર્ડની નજીક પહોંચી જશે

નવી દિલ્હી, તા.૩૦: આ ચોમાસાની સીઝન દરમિયાન પડેલા જોરદાર વરસાદના કારણે સપ્ટેમ્બર મહિનામાં ૧૦૨ વર્ષનો રેકોર્ડ તૂટવાની અણી પર છે. જયારે જૂન-સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સામાન્ય ૯ ટકા વધારે વરસાદ થયો. દેશભરમાં સપ્ટેમ્બરમાં એવરેજ વરસાદ ૨૪૭.૧mm છે જે સામાન્યથી ૪૮ ટકા વધારે છે અને ૧૯૦૧ બાદ ત્રીજો સૌથી વરસાદનો રેકોર્ડ છે.

સોમવાર સુધીમાં આ ૧૯૮૩ના (૨૫૫.૮mm) વરસાદનો રેકોર્ડ તોડી નાખશે. ગુજરાત અને બિહાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જો સોમવારે પણ ભારે વરસાદ પડ્યો તો આ સપ્ટેમ્બર ૧૯૧૭ (૨૮૫.૬mm)નો રેકોર્ડની નજીક પહોંચી જશે. જયારે ૧૯૦૧ બાદ સપ્ટેમ્બરમાં સૌથી વધારે વરસાદ પડયો.

આ વર્ષે ચોમાસું મોડું આવ્યું અને જૂનમાં ૩૩ ટકા વરસાદની  ઘટ જોવા મળી. સોમવાર સુધીમાં ચોમાસું ઔપચારિક રીતે વિદાય લેતું હોય છે. જયારે પાછલા ૨૫ વર્ષોમાં ચાર મહિનામાં આ વખતે સૌથી વધારે વરસાદ પડ્યો છે. દેશભરના આંકડા જોઈએ તો આ દરમિયાન ૯૫૬.૧mm એટલે કે ૯ ટકા વધારે વરસાદ પડયો છે.

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહોપાત્રા મુજબ, આગામી ચાર-પાંચ દિવસ સુધી ચોમાસું પાછું જવાના કોઈ સંકેત નથી. આ વખતે મોન્સુન કોઈપણ બ્રેક વિના બે મહિનાથી સક્રિય છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછલા ૩૧ વર્ષમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જયારે સોમવાર સુધી ઓગસ્ટ-સપ્ટેમ્બરના સમયમાં ૫૮ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે.

IMD મુજબ આ પાછળ ત્રણ કારણો છે. મહોપાત્રાએ કહ્યું, પેસિફિક સમુદ્રમાં અલ નીનોનો પ્રભાવ, જેના કારણે ચોમાસું વધુ સક્રિય બન્યું છે. આ સમયે હિંદ મહાસાગરમાં ચોમાસાને અનુકૂળ સ્થિતિઓ બની રહી હતી. ત્રીજું કારણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવું. ત્પ્ઝ્રના ટોચના અધિકારીઓનું કહેવું છે કે જો આગામી ૧૦ દિવસ સુધી ત્યાં ઓછું પ્રેશર રહેશે તો ખાસ કરીને મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે.

જુલાઈના ત્રીજા અઠવાડિયાથી ખાસ કરીને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડ્યો છે. શરૂઆતમાં જયાં ૨૦ ટકા વરસાદની ઘટ જોવા મળી ત્યાં સીઝનના અંત સુધીમાં ૨૮ ટકા સરપ્લસ વરસાદ નોંધાયો. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ સારો વરસાદ પડયો છે. જયારે હરિયાણા, દિલ્હી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

(10:21 am IST)