Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વડાપ્રધાનનો અમેરિકા પ્રવાસ રહ્યો રસપ્રદ અનેક દિગ્‍ગજ નેતાઓ સાથે કરી ગો‌ષઠિ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક સપ્તાહના અમેરિકા પ્રવાસ બાદ શનિવારે સ્વદેશ પાછા ફર્યાં જ્યાં તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. અમેરિકામાં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું તથા અન્ય અનેક કાર્યક્રમો ઉપરાંત હાઉડી મોદી સમારોહમાં પણ ભાગ લીધો. વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ મોદીના અમેરિકા પ્રવાસને ખુબ જ સંતોષજનક અને સફળ ગણાવ્યો.

એસ જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું કે એક સપ્તાહના અમેરિકા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ ઈન્ડિયા પર જબરદસ્ત ભાષણ આપ્યું. તેઓ 42 વિદેશી નેતાઓને મળ્યાં. આ ઉપરાંત પીએમ મોદીએ 36 દ્વીપક્ષીય અને સાત બહુપક્ષીય બેઠકોમાં ભાગ લીધો.

વિદેશ મંત્રી જયશંકરે લખ્યું કે પીએમના આ પ્રવાસથી દુનિયાને માલુમ પડ્યું કે ભારત દુનિયાને ગળે લગાવે છે અને દુનિયા તે વ્યાજ સાથે પાછું આપે છે. બહુપક્ષવાદ વાસ્તવમાં મહત્વ ધરાવે છે.

વડાપ્રધાન મોદીએ યુએનજીએમાં પોતાના કાર્યક્રમના સમાપન બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોનો અસાધારણ સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે હાઉડી મોદી કાર્યક્રમ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. જેને ટ્રમ્પે પોતાની હાજરીથી ખાસ બનાવી દીધો.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી કોંગ્રેસ તથા સરકારના અન્ય સન્માનિત સભ્યોનો આભાર. અત્રે જણાવવાનું કે હાઉડી મોદી કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો સામેલ થયા હતાં.

ભારત પાછા ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016ની સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી હતી અને આજના દિવસે જ ત્રણ વર્ષ અગાઉ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ઘૂસીને આતંકી છાવણીઓને તબાહ કરવા માટે ચલાવવામાં આવેલા ખુબ જ જોખમભર્યા અભિયાન બદલ સ્પેશિયલ ફોર્સિસની પ્રશંસા કરી.

(12:00 am IST)