Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

તાલિબાનીઓએ પહેલા અફઘાનિસ્તાનના લોકગાયકને ચા પીવડાવી અને હવે હત્યા કરી નાખી: ક્રૂરતાની ચરમસીમા

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચાર કર્યા બાદ તાલિબાનના આતંકીઓએ કાબુલથી ૧૦૦ કિલોમીટર દૂર બગલાન પ્રાંતના અંદ્રાબ વિસ્તારમાં જાણીતા લોકગાયક ફવાદ અંદ્રાબીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ગોળી મારતા પહેલા તાલિબાનીઓ તેને ઘરથી ઘસડીને બહાર કાઢેલ. અફઘાનિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી મસૂદ અંદ્રાબીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

ફવાદના પરિવારના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા પણ તાલિબાનો તેમના ઘરે આવ્યા હતા અને તપાસ કરી હતી. ત્યારે તાલિબાનીઓએ તેમના ઘરે ચા પીધી હતી અને પરિવારમાંથી કોઈને નુકસાન ન કરવાનો વાયદો કરીને જતા રહ્યા હતા. 

આ લોકગાયકના પુત્ર જવાદ અંદ્રાબીએ ધ એસોસિએટ પ્રેસને જણાવ્યું હતું કે તાલિબાનીઓ પહેલા તેમના ઘરે આવ્યા અને તેની તપાસ કરી. તેઓ નિર્દોષ હતા તેઓ એક લોકગાયક હતા જે માત્ર લોકોનું મનોરંજન કરતા હતા. તો પણ તેમણે તેના માથામાં ગોળી મારી દીધી.

દરમિયાન તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહીદે જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે પરંતુ હત્યા બાબતે તેમને કોઈ અન્ય જાણકારી નથી. 

આ દરમિયાન સાંસ્કૃતિક અધિકારો પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દુત કરીમા બેન્નોએ ટ્વીટર પર લખ્યું કે તેમને અંદ્રાબીની હત્યા પર ગંભીર ચિંતા છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે તેઓ કલાકારોના માનવાધિકારોનું સન્માન કરે.

એમનેસ્ટી ઇન્ટરનેશનલમાં મહાસચિવ એંગ્રેસ કલામાર્ડે પણ આ હત્યાની નિંદા કરી છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે આ એ વાતના પુરાવા છે કે વર્ષ ૨૦૨૧નું તાલિબાન વર્ષ ૨૦૦૧ના અસહિષ્ણુ, હિંસક અને દમનકારી તાલિબાનો જેવું જ છે.

(11:02 pm IST)