Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વર્જિનિટી ટેસ્ટ અને રિપેર કરાવવા મુદ્દે બ્રિટિશ ડોક્ટરોએ મોરચો ખોલ્યો :રિપેર સર્જરી પર કડક પ્રતિબંધની માંગ

હાઇમનને હંમેશા સેક્સ સાથે જોડી શકાય નહીં અને વર્જિનિટી ટેસ્ટિંગ માનવ અધિકારોનું ઉલ્લંઘન : WHO

લંડન :વર્જિનિટી ટેસ્ટ અને રિપેર કરાવવાના મુદ્દે ફરી એકવાર જોર પકડવાનું શરૂ કર્યું છે. આ વખતે બ્રિટિશ ડોક્ટરોએ તેની સામે મોરચો ખોલ્યો છે. અસલમાં અહીંના ડોકટરોનું કહેવું છે કે જ્યાં સુધી ‘વર્જિનિટી રિપેર’ ના નામે બનાવટી ઓપરેશન બંધ થશે નહીં ત્યાં સુધી વર્જિનિટી ટેસ્ટ પર કાયદો બનાવવામાં કોઈ ફાયદો નથી.

રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ (આરસીઓજી) એ સરકારને ચેતવણી આપતા વર્જિનિટી રિપેર સર્જરી પર કડક પ્રતિબંધની માંગ કરી છે. નોંધનીય છે કે ગયા મહિને સંસદસભ્યોની સમિતિએ કેટલાક ખાનગી ક્લિનિક્સ દ્વારા લેવામાં આવતી વર્જિનિટી ટેસ્ટને ગુનાહિત બનાવવાની માગણી કરતો ઠરાવ રજૂ કર્યો હતો.

ડોક્ટરોનું કહેવું છે કે એક તરફ સરકાર વર્જિનિટી ટેસ્ટને લઈને કાયદો બનાવવાનો દાવો કરી રહી છે, જ્યારે બીજી બાજુ ‘વર્જિનિટી રિસ્ટોર’ની પ્રક્રિયા પર કોઈ પ્રતિબંધ નથી. વર્જિનિટી રિસ્ટોર સર્જરીમાં યોનિની સ્કિનમાંથી એક લેયરને રિપેર કરવામાં આવે છે જેથી હાઇમેન તૂટેલું દેખાતું નથી. આ સર્જરીને હાયમનોપ્લાસ્ટી કહેવામાં આવે છે.

યુકેમાં મોટાભાગની છોકરીઓ અને સ્ત્રીઓને વર્જિન દેખાવવા માટે તેમના માતાપિતા અથવા સંબંધીઓ દ્વારા હાયમનોપ્લાસ્ટી કરવામાં આવે છે. 2020માં સન્ડે ટાઇમ્સે પોતાના એક રિપોર્ટમાં 22 એવી ખાનગી ક્લિનિક્સ અંગે જાણકારી આપી હતી જે વર્જિનિટી રિપેર સર્જરીના નામે ભારે ફી લે છે. એક વર્ષની અંદર, અહીં લગભગ 9,000 લોકોએ ગૂગલ પર હાઇમેનોપ્લાસ્ટી અને તેનાથી સંબંધિત માહિતી શોધી હતી.

રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સનું કહેવું છે કે જો વર્જિનિટી રિપેરની પ્રક્રિયા બંધ નહીં થાય તો વર્જિનિટી ટેસ્ટ રોકવાના પ્રયાસો વ્યર્થ જશે.

RCOGએ જણાવ્યું કે હાઇમેન રક્તકણોના પટલ જેવું છે. સામાન્ય રીતે પ્રથમ વખત સેક્સ કર્યા પછી રક્તસ્રાવ થાય છે અને તેને તોડ્યા પછી ફરીથી રક્તસ્રાવ થતો નથી. તે ઉપરાંત ડબ્લ્યુએચઓ પણ સ્પષ્ટપણે કહે છે કે હાઇમનને હંમેશા સેક્સ સાથે જોડી શકાય નહીં અને વર્જિનિટી ટેસ્ટિંગ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.

IKWRO મહિલા અધિકાર સંગઠનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડાયના નમ્મીએ જણાવ્યું હતું કે, હાઇમેનોપ્લાસ્ટી એ મહિલાઓ અને છોકરીઓ સામે હિંસાનું એક સ્વરૂપ છે. આ એક હાનિકારક પ્રથા છે જે બળજબરીથી લગ્નને પ્રોત્સાહન આપે છે.

(12:37 pm IST)