Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

લડાખ સરહદે ચીનાઓ ભારતની ભૂમિ ખાલી ન કરે તો યુદ્ધ કરવું જોઈએ: આજે ભારત હવે ૧૯૬૨નું ભારત નથી રહ્યું તે ચીનાઓને સમજાવી દેવું જોઈએ: ભારત માત્ર સરહદ વિવાદ ઉપર ધ્યાન આપે અને બીજી બાબતોથી ચીનને ઉશ્કેરે નહીં: ભાજપ સાંસદની મોદી સરકારને સ્પષ્ટ સલાહ

ભારતની લડાખ સરહદે ભારત અને ચીન વચ્ચે ૨૦૨૦ થી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયેલું છે. હજુ પણ બંને દેશોના સૈનિકો આમને-સામને છે. ચીને ભારતના કોઈ પણ પ્રદેશ પર કબજો જમાવ્યો નથી એવા કેન્દ્રના દાવાઓ વચ્ચે ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્રની મોદી સરકારને સલાહ આપતા જણાવ્યું છે કે ચીન ભારતીય વિસ્તારો ખાલી ના કરે અને ૧૯૯૩ની સમજૂતી હેઠળ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પાછું ન જાય તો ભારતે ચીન સાથે યુદ્ધ કરવું જોઈએ અને ભારતીય વિસ્તારો ખાલી કરાવવા જોઈએ.

ભારતે ચીન સાથે હાલ માત્ર સરહદનો વિવાદ ઉકેલવા પર ધ્યાન આપવું જોઈએ. હોંગકોંગ, તાઈવાન તથા તિબેટ અંગે વાત કરીને ચીનને ઉશ્કેરવું જોઈએ નહીં.

સ્વામીએ ‘બ્લિન્કર્સ ઓફ હાઉ વિલ ધ વર્લ્ડ કાઉન્ટર ચાઈના’ નામના પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે ચીન ભારત માટે અસાધારણરૂપે મહત્વપૂર્ણ અને ખતરનાક પડકાર છે. તેથી ભારતે તેની રણનીતિ એ રીતૈ તૈયાર કરવી જોઈએ કે તે જોખમનો સામનો કરતા અંતમાં ચીનને પાછું તેની જગ્યાએ પહોંચાડી દે.

ચીનને એવો બોધ પાઠ શીખવવો જોઈએ કે  હવે ૧૯૬૨નું ભારત નથી અને મજબૂતાઈથી તેમનો સામનો કરી શકીએ છીએ. ચીને એલએસી પાસ કરીને આપણી જમીન પર કબજો જમાવ્યો છે તેવો દાવો કરતાં ભાજપ સાંસદે કહ્યું કે ભારતે ચીન સાથે માત્ર તેના ભૂમી વિવાદ પર ધ્યાન આપવું જોઈએ. આપણે એ ચકાસવું જોઈએ કે ચીને ક્યાં ભૂલ કરી છે. તેમણે એલએસી પાર કરીને આપણી જમીન પર કબજો જમાવ્યો છે.

સ્વામીએ ઉમેર્યું હતું કે,  ભારતે ચીનાઓને કહેવું જોઈએ કે જો તમે ૧૯૯૩ની મૂળ સ્થિતિમાં પાછા નહીં જાવ તો અમે તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર છીએ.

(12:36 pm IST)