Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટનો કહેર સતત વધ્યો, ઓક્સિજન અને બેડની ભારે અછત

અમેરિકામાં કોરોના વાયરસનાં ડેલ્ટા વેરિએન્ટનો કહેર સતત વધી રહ્યો છે. તેનો કહેર અમેરિકાનાં 42 રાજ્યો સુધી જોવા મળી રહ્યો છે જ્યાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા ઝડપથી વધી છે. 14 રાજ્યો એવા છે જ્યાં એક અઠવાડિયામાં મૃત્યુઆંકમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કેટલાક શહેરો એવા છે જ્યાં મૃતદેહ રાખવા માટે પણ જગ્યા રહી નથી. હોસ્પિટલમાં પથારી ભરેલી છે, જ્યારે ઓક્સિજનને લઈને લડાઈ ચાલી રહી છે.

અમેરિકામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, 28 રાજ્યોમાં મૃત્યુની સંખ્યામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. અલબામામાં 5,571 બાળકો સંક્રમિત થયા છે. જોકે, બાળકો કોના સંપર્કમાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી મળી નથી. છેલ્લા બે થી ત્રણ સપ્તાહમાં અહીં મૃત્યુની સંખ્યા બે આંકડામાં જોવા મળી રહી છે. અહીં સંક્રમણનો દર પણ 23 ટકાને પાર કરી ગયો છે. અલબામામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પ્રથમ વખત, રાજ્યએ તેના ચાર રેફ્રિજરેટેડ ટ્રેલર્સમાંથી બેને સક્રિય કરી દીધા છે. આવુ ત્યારે કરવામાં આવે છે જ્યારે, મોટા પાયે કોઈ ઘટનાનાં કારણે મોત થાય છે. કોરોના મહામારી દરમિયાન આ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. અલબામા હેલ્થ ઓફિસર ડો. સ્કોટ હેરિસે કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમિતોનાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર સતત વધી રહ્યો છે. હેરિસે કહ્યું કે, અહીં એટલા બધા લોકો મરી રહ્યા છે કે લાશને રાખવાની પણ કોઈ જગ્યા નથી. કોરોનાની બીજી લહેરમાં જે રીતે ભારતમાં ઓક્સિજનને લઈને લડાઈ થઈ હતી, તેવી જ સ્થિતિ અમેરિકામાં જોવા મળી રહી છે. હોસ્પિટલમાં બેડની ભારે અછત જોવા મળી રહી છે. ઓક્સિજનની પણ અછત છે. ફ્લોરિડા, સાઉથ કેરોલિના, ટેક્સાસ અને લુઇસિયાનાની હોસ્પિટલોમાં ઓક્સિજન સમાપ્ત થઈ ગયો છે. એવી ઘણી હોસ્પિટલો છે જ્યાં ઓક્સિજન લગભગ ખતમ થવાની આરે છે.

 

(12:13 pm IST)